છ વર્ષની બાળકી સાથે અત્યાચારની સરપંચે ફરિયાદ કરતા ટીમ અભયમ દ્વારા માતા - પિતાનું કાઉન્સિલિંગ કરી સમજાવટ મોરબી : કાળી ચૌદશના દિવસે દીકરીના જન્મ બાદ માતાને કેન્સર થતા અંધશ્રદ્ધામાં માનીને દીકરીને અપશુકનિયાળ ગણી માતા-પિતા મારઝૂડ કરી 6 વર્ષની દીકરીને ઘરની બહાર કાઢી મૂકતા આ વાતની જાણકારી 181 મોરબીની ટીમને થતા તેઓએ માતા-પિતાનું કાઉન્સિલિંગ કરીને દીકરીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 9 જુલાઈના રોજ રાત્રે મોરબીના એક ગામમાંથી સરપંચનો ફોન 181 મોરબી ટીમ પર આવ્યો હતો અને જણાવ્યું હતું કે એક 6 વર્ષની દીકરીને તેના માતા-પિતા મારપીટ કરીને જમવાનું આપતા નથી અને ઘરમાં પણ રાખતા નથી. ત્યારે મોરબી 181ની ટીમના કાઉન્સિલર જીનલબેન વણકર અને કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન ઘટના સ્થળે ગયા હતા અને ત્યાં જાણવા મળ્યું હતું કે 6 વર્ષની આ દીકરીનો જન્મ કાળી ચૌદસના દિવસે થયો હોય અને દીકરીના જન્મ બાદ માતાને કેન્સર થયું હોય માતા-પિતા અંધશ્રદ્ધામાં માનીને દીકરીને અપશુકનિયાળ ગણે છે અને તેને હેરાન પરેશાન કરે છે અને ઘરની બહાર કાઢી મૂકે છે. ત્યારે 181 અભયમની ટીમે માતા-પિતાને ખોટી અંધશ્રદ્ધામાં ન માનવા અને દીકરી પર કોઈ પણ પ્રકારનો અત્યાચાર ન કરવા સમજાવ્યા હતા અને દીકરીને ફરી માતા-પિતા સાથે મળાવી હતી. આમ 181 મોરબીની ટીમે દીકરીનું મહત્વ અને તેઓની સાચી ફરજ માતા-પિતાને સમજાવી હતી.