વર્ષોથી પાણીનો નિકાલ કરવામાં તંત્ર આળસવૃત્તિ દાખવતું હોવાથી દર વખતે ચોમાસામાં પાણી ભરાવવાથી રહીશોની કફોડી હાલત મોરબી : મોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગતરાત્રીથી એકધારા વરસાદને પગલે આ વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાય ગયા છે.વર્ષોથી પાણીનો નિકાલ કરવામાં તંત્ર આળસવૃત્તિ દાખવતું હોવાથી દર વખતે ચોમાસામાં પાણી ભરાવવાથી રહીશોની કફોડી હાલત સર્જાઈ છે. મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ સામે આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગતરાત્રિથી આજ સવાર સુધી સતત એકધારા વરસાદને કારણે ભારે પાણી ભરાયા છે. સ્થાનિક રહીશોએ આ અંગે જણાવ્યું હતું કે, આજે વરસાદને કારણે એટલી હદે પાણી ભરાયા છે કે ઘરમાંથી નીકળવું મુશ્કેલ બન્યું છે. આટલા સામાન્ય વરસાદમાં પણ આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. એની પાછળ નગરપાલિકાને બેજવાબદારી કારણભૂત છે. વર્ષોથી તેમના વિસ્તારમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. એટલે દર ચોમાસે આવી ખરાબ હાલત થાય છે અને વરસાદના પાણી આખા વિસ્તારમાં નદીના વહેણની જેમ ભરાય જતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે વર્ષો અગાઉ ભૂગર્ભ ગટરમાં અમુક તત્વો કચરો નાખતા હોય પાણી નીકળતું ન હોવાથી તંત્રએ યોગ્ય ઉકેલ શોધવાની જગ્યાએ આ ગટર જ બંધ કરી દીધી હતી. ત્યારબાદ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ કરી નથી. એના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય છે. સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજુઆત કરી પણ દરેક વખતે રજુઆતનો ડુચો વાળી દેવાતા આ સમસ્યા યથાવત રહી છે. તેથી તંત્ર આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે.