પીપળી અને રંગપર નજીક કોઝ વે માટે અપાયેલા ડાયવર્ઝન ઉપરથી પાણી જતું હોવાથી વાહનો અટવાયા મોરબી : મોરબી પંથકમાં આજે મેઘરાજાએ સટાસટી બોલાવતા અનેક નદી-નાળા છલકાયા છે. જેવામાં મોરબી- જેતપર રોડ વચ્ચે બે સ્થળોએ રસ્તા ધોવાતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીથી જેતપર રોડ વચ્ચે આવેલ પીપળી પાસે કોઝવે નિર્માણ માટે જે ડાયવર્ઝનનો રસ્તો અપાયો છે. તેની ઉપરથી પાણી જતું હોવાથી રસ્તો બંધ થઈ ગયો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલ આ રસ્તો ચાલુ કરવાની કામગીરી ચાલી રહી છે. જે અંદાજે બે કલાકમાં ચાલુ થાય તેવી શકયતા સેવાઈ રહી છે. બીજી તરફ રંગપર પાસે પણ કોઝવે બનાવવામાં આવી રહ્યું છે. તેના માટે ડાયવર્ઝન આપવામાં આવ્યુ તે ધોવાઈ ગયું છે. ત્યાં હાલ પાણીનું સ્તર વધુ હોય જેથી પાણી ઓછું થયે રસ્તો શરૂ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ માર્ગ અને મકાન વિભાગ તરફથી જણાવાયું છે.