મોરબી : મોરબીને હરિયાળું બનાવવા માટે વિવિધ સંસ્થાઓએ આવકદાયક પહેલ કરી હતી. જેમાં ઘટાદાર વૃક્ષો થાય તેવા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચાલુ વરસાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લોકોએ પણ વૃક્ષોના રોપા લેવા માટે ઉમટી પડ્યા હતા. અને માત્ર કલાકમાં 1200 જેટલા રોપાનું વિતરણ થઈ ગયું હતું. મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મયુર નેચર કલબ, વન વિભાગ-મોરબી, વેન્ટો સીરામીક, મોરબી અપડેટના સયુંકત ઉપક્રમે આજે મોરબીના શનાળા રોડ રામચોક પાસે આવેલ સંદેશ બ્યુરોની ઓફીસ નીચે જુદા જુદા વૃક્ષોના રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ચાલુ વરસાદમાં પણ યોજાયેલા રોપા વિતરણનો લાભ લેવા લોકોએ અદમ્ય ઉત્સાહ દેખાડ્યો હતો. આથી ચાલુ વરસાદમાં પણ માત્ર કલાકમાં 1200 જેટલા જામફળ, તુલસી, ગોરસ આંબલી, દાડમ, સીતાફળ, કરંજ, કાસી, ગુલમોહર, સહિતના વૃક્ષોના રોપાનું વિતરણ કરી દેવામાં આવ્યું હતું. જો કે આ સંસ્થાઓ દ્વારા દર વર્ષે ચોમાસુ બેસે ત્યારે જ રોપા વિતરણનું આયોજન કરવામાં આવે છે. જેથી પ્રથમ વરસાદ પડ્યા બાદ આ રોપાને વાવીને વધુ વરસાદ પડે ત્યારે આ વૃક્ષોનું જતન કરીને મોરબીને લીલુંછમ બનાવી શકાય અને પર્યાવરણનું જતન કરવા માટે આ વિનામૂલ્યે રોપા વિતરણ યોજાઈ છે. આ રોપા વિતરણનો લોકોએ લાભ લઇ પોતાના વિસ્તારમાં વૃક્ષો વાવીને જતન કરશે. આ રોપા વિતરણના કાર્યક્રમને સફળ બનાવવા વેન્ટો સીરામીકના રજનીભાઈ પટેલ, મયુર નેચર કલબના મહાદેવભાઈ પ્રજાપતિ, એમ.જી.મારુતિ, અજયભાઈ ઉનડકટ, પ્રકાશભાઈ સોનાગ્રા, પરમારભાઈ, ઘનશ્યામભાઈ અઘારા, જસમતભાઈ પટેલ, જીતુભાઈ ઠક્કર, મોરબી અપડેટના વિપુલભાઈ પ્રજાપતિ અને કાજલબેન ચંડીભમર સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.