ટંકારાના ટોળ ગામે રહેતા આરટીઓ એજન્ટે સાત વ્યાજખોર અને તેના મળતિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામના રહેવાસી આરટીઓ એજન્ટે વ્યાજખોરો પાસેથી વ્યાજે નાણાં લીધા બાદ તમામ નાણાં ચૂકવી આપ્યા હોવા છતાં વ્યાજખોરો અને તેના મળતિયાઓએ ધમકી આપી ત્રાસ આપતા આરટીઓ એજન્ટે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ભાનમાં આવ્યા બાદ વ્યાજખોર અને તેના મળતિયા એવા સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા અને ખેતીની સાથે આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા મહમદભાઇ ઉસ્માનભાઇ બાદીએ આરોપી મૂકેશભાઇ ઝાપડા રહે.ટંકારા વાળા પાસેથી 10 લાખ રૂપીયા 10 ટકા લેખે, આરોપી મહેન્દ્રસીહ ગોહીલ રહે. ઘુનડા(ખા) તા.ટંકારા વાળા પાસેથી રૂપિયા 3 લાખ 10 ટકા વ્યાજે તથા યોગેન્દ્રસીહ ગોહીલ રહે. ઘુનડા(ખા) તા.ટંકારા વાળા પાસેથી અઢી લાખ વ્યાજે લીધેલ હતા જેનુ વ્યાજ 8 ટકા લેખે વ્યાજ સહીત રકમ આપી દીધેલ હોવા છતા વ્યાજખોરો અને તેના મળતીયા માણસો કનુભાઇ ઝાપડા રહે.ટંકારા તથા રજાકભાઇ સમા રહે.ટંકારા તથા અંકીતભાઇ ચૌધરી રહે. હાલ ગાંધીધામ તથા ગીરીરાજસિંહના ભાઇ અવાર નવાર ઘરે તેમજ ફોનમાં ધમકીઓ આપી વાંકાનેર ખાતે આવેલ દુકાને જઇ વ્યાજ તથા મુદલ ની રકમ આપવાની પઠાણી ઉઘરાણી કરી પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા મહમ્મદભાઈએ ઝેરી દવા પી લેતા રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. વ્યાજખોરીના આ બનાવ મામલે ટંકારા પોલીસે મહમદભાઇ ઉસ્માનભાઇ બાદીની ફરિયાદને આધારે આરોપી મુકેશભાઇ ઝાપડા રહે.ટંકારા, કનુભાઇ ઝાપડા રહે-ટંકારા, રજાકભાઇ સમા રહે.ટંકારા, ગીરીરાજસિહના ભાઇ તરીકે ઓળખાણ આપનાર શખ્સ, અંકીતભાઇ ચૌધરી રહે.ટોઇય તા.ભાભર હાલ ગાંધીધામ, મહેન્દ્રસીહ ગોહીલ રહે.ઘુનડા અને યોગેન્દ્ર્સિંહ ગોહીલ વિરુદ્ધ આઇપીસી કલમ 504, 506(2), 507,114 અને ધી ગુજરાત નાણાની ધીરધાર અધિમીયમ 2011 ની કલમ 5,33(3),40,42મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.