મુંબઈ મલાડમાં અદાણી ઈલેક્ટ્રીસીટી કંપનીનો 6000 કિલો વજનનો પુલ ચોરી જનારા ચારની ધરપકડ મોરબી : સામાન્ય રીતે તસ્કરો ઘર, દુકાન,ફેકટરીમાં ચોરી કરતા હોવાની સાથે વાહન ઉઠાવી જતા હોવાના અનેક બનાવો વચ્ચે મુંબઈના મલાડમાંથી ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના મલાડમાં અદાણી ઈલેક્ટ્રિસિટીનો 6 હજાર કિલો વજનનો 90 ફૂટ લંબાઈનો પુલ એક નાળા પર મુકવામાં આવ્યો હતો. આ પુલ પરથી અદાણી ઈલેક્ટ્રિસિટીના વાયર કાઢવાના હતા. જો કે, કોઈ કારણોસર આ પુલને નાળા પરથી હટાવી લેવામાં આવ્યો હતો. આ હટાવેલા પુલને ગેસ કટરની મદદથી તસ્કરો આખેઆખો પુલ જ ચોરી ગયા હતા.જો કે પડકાર રૂપ આ ચોરીના કેસમાં ચાર શખ્સની ધરપકડ કરાઈ છે. ગત વર્ષે જૂન મહિનામાં એક મુંબઈ મલાડમાં એક નાળા પર આ પુલ મુકવામાં આવ્યો હતો. આ પુલ પરથી અદાણી ઈલેક્ટ્રિસિટીના કેબલ કાઢવાના હતા. જો કે, આ વર્ષે એપ્રિલ મહિનામાં આ લોખંડના પુલને નાળા પરથી હટાવી લેવામાં આવ્યો હતો.બે લાખ રૂપિયાની કિંમતના આ પુલને ક્રેનની મદદથી હટાવવામાં આવ્યો હતો અને પુલને નાળાની સાઈડમાં મુકવામાં આવ્યો હતો. જ્યારે 26 જૂનના રોજ અદાણી ઈલેક્ટ્રિસિટીના અધિકારીઓ પુલના નિરીક્ષણ માટે નાળા પાસે પહોંચ્યા ત્યારે તેમના પગ નીચેની જમીન સરકી ગઈ હતી, કારણ કે, 90 ફૂટ લાંબો પુલ તેની જગ્યા પર હતો જ નહીં. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. જે જગ્યા પર આ લોખંડના પુલને મુકવામાં આવ્યો હતો તે જગ્યા પર કોઈ CCTV ન હતા, જેથી પોલીસ માટે પણ તપાસ અઘરી બની હતી. પોલીસે આસપાસની જગ્યા પર તપાસ કરી હતી અને આસપાસની જગ્યાના CCTV ચેક કર્યા હતા. CCTV તપાસમાં પોલીસને એક લાંબુ વ્હીકલ બ્રીજ તરફ જતુ જોવા મળ્યુ હતુ. પોલીસે આ વ્હીકલના રજિસ્ટ્રેશન નંબર પરથી તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યુ હતુ કે, આ વ્હીકલમાં ગેસ કટર સહિતનો માલ સામાન બ્રીજ તરફ લઈ જવામાં આવ્યો હતો અને જેની મદદથી આ બ્રીજને કપવામાં આવ્યો હતો.સમગ્ર મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. આ ચાર લોકોમાં જે કંપની પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કંપનીનો એક કર્મચારી જ હતો.