સ્થાનિક રહીશોએ વીજ ધાંધિયાનો પ્રશ્ન હલ ન થાય તો આંદોલન કરવાની ચીમકી આપી મોરબી : મોરબીમાં ચોમાસુ શરૂ થવાની સાથે વારંવાર અને ઘણીવાર કલાકો સુધી વીજળી ગુલ થવાની સમસ્યા વધી ગઈ છે. હવે તો વીજ ધાંધિયાથી મોટાભાગના વિસ્તારો પ્રભાવિત થઈ ગયા છે ત્યારે મોરબીના પોશ એરિયા ગણાતા એસપી રોડના રહેણાંક વિસ્તારમાં વારંવાર વીજ ધાંધિયાથી રહીશો કંટાળી ગયા છે અને રહીશોએ આ મામલે રજુઆત કરી છે અને જો વીજ ધાંધિયાનો પ્રશ્ન હલ ન થાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે. મોરબીના પોશ એરિયા ગણાતા એસપી રોડના રહેણાંક વિસ્તાર આઇકોન રેસિડન્સીના રહીશોએ વીજતંત્રને લેખિત રજુઆત કરી હતી કે, તેમના વિસ્તારમાં વીજળી ગુલ થવાથી છેલ્લા એક વર્ષથી હેરાનગતિ ભોગવી રહ્યા છીએ, સવારે ઉઠીને લોકો મોઢામાં બ્રશ નાખે એ પહેલાં જ લાઈટ ગુલ થઈ જાય છે. આ વારંવાર લાઈટ ગુલ થવાની સમસ્યા રોજિંદી બની છે. તેમનો વિસ્તારમાં શનાળા વીજ તંત્રને લાગુ પડતો હોય ત્યાં વારંવાર રજુઆત કરવા છતાં કોઈ જવાબ મળતો નથી. આથી વીજ ધાંધિયાની સમસ્યા યથાવત રહી છે. વારંવાર વીજળી ગુલ થવાથી હેરાન પરેશાન થઈ ગયા છે. આથી હવે આંદોલન કરવું પડે તે પહેલાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.