અપહરણ કરવાની પણ કોશિશ, રવાપર રોડ ઉપર બનેલી ઘટનામાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર ભૂંગરા બટેટાની લારી ધરાવતા યુવાને વ્યાજે લીધેલા પૈસાની ઉઘરાણીમાં વ્યાજખોર અને જામીન પડેલા શખ્સે યુવાનનું અપહરણ કરવા કોશિશ કરી છરીના ઘા ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ૐકાર હાઈટ્સ ફ્લેટમાં રહેતા અને રવાપર રેસિડેન્સીના ગેઇટ પાસે ભૂંગરા બટેટાની લારી ધરાવતા નીલ ભરતભાઈ વસાણીએ શનાળા રહેતા આરોપી વરુણ ઉર્ફે ટીનો બોરીચા પાસેથી તેના મિત્ર જયરાજ ઉર્ફે જીગો ગોગરાને વચ્ચે રાખી નવેક મહિના પહેલા રૂપિયા 3 લાખ 10 ટકા વ્યાજે લીધા હોય જે તાત્કાલિક પરત આપવા અથવા વધુ વ્યાજ ચૂકવવા બન્ને દબાણ કરતા હતા. દરમિયાન ગઈકાલે રાત્રે ફરિયાદી નીલ ભરતભાઈ વસાણી તેના પિતા સાથે ભૂંગરા બટેટાની લારીએ હતો ત્યારે આરોપી વરુણ ઉર્ફે ટીનો બોરીચા અને જયરાજ ઉર્ફે જીગો ગોગરા આવ્યા હતા અને વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી શરૂ કરી મારામારી કરી હતી અને આરોપી જીગો ઉર્ફે જયરાજ ગોગરાએ છરી વડે નીલ ભરતભાઈ વસની ઉપર હુમલો કરતા તેના પિતા સહિતના લોકો વચ્ચે છોડવવા જતા નીલને પરાણે સ્કોર્પિયોમાં બેસાડવા કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નીલ વસાણીની ફરિયાદને આધારે આરોપી વરુણ ઉર્ફે ટીનો બોરીચા અને જયરાજ ઉર્ફે જીગો ગોગરા વિરુદ્ધ આઇપીસી કલમ 387,384, 504,506(2), 114 અને ગુજરાત નાણાં ધીરધારની કલમ અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.