મંદિરની પવિત્રતા અને આસ્થા જાળવવા માટે તંત્ર ગંદકીનો પ્રશ્ન હલ કરે તેવી ભક્તજનોની માંગ મોરબી : મોરબીની મધ્યે પસાર થતી મચ્છુ નદીના કિનારે આવેલ મચ્છુ માતાના મંદિર પાસે ગંદકીના ગંજ ખડકાયા છે. જો કે મચ્છુ માતાજીના મંદિરની દીવાલ પણ ખંડિત થઈ હોય ઉપરથી ગંદકીના કારણે મંદિરની પવિત્રતા અને આસ્થા પણ ખંડિત થઈ ગઈ છે. આથી મંદિરની પવિત્રતા અને આસ્થા જાળવવા માટે તંત્ર ગંદકીનો પ્રશ્ન હલ કરે તેવી ભક્તજનોએ માંગ કરી છે. મોરબીના દરબારગઢ પાસેથી નીકળતી મચ્છુ નદીના કિનારે આવેલું આઈશ્રી મચ્છુ માતાજીના મંદિર પાસે કચરાના ઢગલા સહિતની ગંદકી છવાઈ ગઈ છે. મચ્છુ માતાજીના ભક્તજનોએ જણાવ્યું હતું કે, વર્ષો જુના આ મંદિરની દીવાલ પણ જર્જરિત થઈ ગઈ છે. અને મચ્છુ માતાજીના મંદિર આસપાસ ગંદકી ફેલાય રહી હોય દરરોજ હજારો ભક્તજનો અહીં દર્શને આવતા હોવાથી ગંદકીને કારણે ભક્તજનોને ભારે હાલાકી પડે છે. મચ્છુ માતાના મંદિર આસપાસ ગંદકીના ગંજ તેમજ નદીમાં ગાંડી વેલ ફેલાય ગઈ છે. જો કે નગરપાલિકાએ ગઈકાલે જ મોરબને ગંદકી મુક્ત બનાવવા માટે નવતર પહેલ કરી હતી અને તંત્રે શહેરીજનો માટે એક હેલ્પલાઇન જાહેર કરીને ગંદકીના ફોટા મોકલવો અને તુરંત ત્યાં નગરપાલિકા દ્વારા સફાઈ કરાશે તેવી જાહેરાત કરી હતી. ત્યારે હવે હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાં મચ્છુ માતાના મંદિરે ગંદકી છવાઈ હોય આ અરજને ધ્યાને રાખી મચ્છુ માતાના મંદિરે તાકીદે સફાઈ કરાવે તેવી ભક્તજનોએ માંગ કરી છે.