વસુધૈવ કુટુમ્બ માટે યોગ, હર ઘર આંગણે યોગની થીમ સાથે મોરબી જિલ્લામાં 9મો યોગ દિવસ ઉજવાયો મોરબી : આજે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં 9માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષેની યોગ દિવસની થીમ ' વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ, હર ઘર આંગણે યોગ'ની થીમ રાખવામાં આવી હતી. મોરબી જિલ્લામાં 72 હજાર યોગ સાધકોએ યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. સમગ્ર વિશ્વની સાથે ભારતમાં અને ગુજરાત રાજ્યમાં યોગ આપણી જીવનશૈલીનું મહત્વનું અંગ બને તથા તન અને મન થી તંદુરસ્ત રહેવા માટે યોગ અને પ્રાણાયામને જીવનની દૈનિક ક્રિયાનો એક મહત્વનો ભાગ બનાવવા બાબતે લોકો જાગૃત બને તેવા ઉમદા હેતુ સાથે વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ, હર ઘર આંગણે યોગ' થીમ સાથે ૯ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે મોરબી ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા બાદ સમગ્ર વિશ્વને યોગ તરફ વળવા હાંકલ કરી અને વિશ્વએ યોગનું મહત્વ સ્વાકાર્યું. આજે સમગ્ર વિશ્વ ભરતની ઋષિ પરંપરા અપનાવી યોગ કરતું થયું છે. જિલ્લાના તમામ યોગ સાધકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આજે આપણી જીવનશૈલી અને ખાણીપીણી એવી થઈ ગઈ છે કે, સ્વાસ્થ્યપ્રદ જીવન માટે યોગ મહત્વનું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરી ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સાથે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ કલેકટર ડી.સી. પરમાર, નાયબ પોલીસ અધિક્ષક ઝાલા તથા ગોસ્વામી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ,કર્મચારીઓ સાથે પોલીસ જવાનો, પોલીસ કેડેટ્સ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.