શીરોઈથી સુસવાવ ગામ જતા હતા ત્યારે સર્જાયો અકસ્માત : ચાર ઇજાગ્રસ્ત હળવદ : આજે બપોરના સમયે સુસવાવ ગામનો પરિવાર સિરોઈ ગામે શ્રીમંતના પ્રસંગમાં હાજરી આપી છોટાહાથી વાહનમાં પરત પોતાના ગામ જઈ રહેલ છોટા હાથી વાહન બ્રાહ્મણી-2 એટલે કે (શક્તિસાગર) ડેમની પારી ઉપરથી નીચે પટકાતા બાળકી સહીત પાંચ મહિલાઓને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતો માલકીયા પરિવાર આજે શિરોઈ ગામે શ્રીમંતના પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. શ્રીમંત પ્રસંગમાં હાજરી આપ્યા બાદ પરત તેઓ પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે હળવદના શિરોઈ નજીક આવેલ બ્રાહ્મણી-2(શક્તિસાગર) ડેમની પારી ઉપરથી છોટા હાથી પસાર થતી વેળાએ વાહન ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા છોટાહાથી 50 ફૂટ જેટલી ઉંચાઈએથી નીચે પટકાયુ હતું. આ અકસ્માતમાં જશુબેન માલકિયા, વિલાસબેન માલકીયા,ખુશીબેન માલકીયા સહિત પાંચ મહિલાઓ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હળવદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે ડેમની પારીની બાજુમાં જ પૌરાણિક કેદાર ધરો આવેલો હોય અહીં કેદારેશ્વર મહાદેવનું મંદિર પણ હોય જેથી લોકો દર્શન માટે તેમજ પિતૃ કાર્ય માટે આવતા હોય છે જોકે ડેમની પારી ઉપરનો રસ્તો જર્જરીત હોય જેના કારણે અનેક વાર વાહન ચાલકો અકસ્માતનો સામનો કરી રહ્યા છે. આ જ રસ્તા પર બે દિવસ પહેલા એક છકડો રીક્ષા પણ પલટી મારી ગઈ હતી. બીજી તરફ આજે જે જગ્યા પર છોટાહાથી રીક્ષા પલટી મારી ગયું ત્યાંથી થોડા દૂર જ ડેમનું પાણી ભરાયેલું હોય જેથી મોટી દુર્ઘટના થતા સહેજમાં ટળી હતી.