સ્થાનિક લોકોએ ગટર પ્રશ્ને થોડા દિવસ પહેલા જ મોરચો માંડ્યો હોવા છતાં તંત્રની શાન ઠેકાણે ન આવતા પરિસ્થિતિ ભયજનક બની મોરબી : મોરબી પાલિકાના કમાઉ દીકરા ગણતા લાતીપ્લોટને વર્ષોથી પ્રાથમિક સુવિધાઓના અભાવના અન્યાય વચ્ચે લાતીપ્લોટ વરસાદ પછી પરિસ્થિતી બદતર બની ગઈ છે. જેમાં લાતીપ્લોટ મેઈન રોડ ઉપર ગટરની ખુલી કુંડી ઉભરાતી હોવાથી સ્થાનિકોએ થોડા દિવસ પહેલા તંત્ર સામે મોરચો માંડ્યો હોવા છતાં તંત્રની શાન ઠેકાણે ન આવતા પરિસ્થિતિ ભયજનક બની ગઈ હતી અને લાતીપ્લોટ મેઈન રોડ પર ગટરના પાણી ભરેલા ખાડામાં અનેક વાહનો ખાબક્યા હતા. મોરબીના લાતીપ્લોટને પ્રાંથમીક સુવિધાઓ મામલે કાયમ અન્યાય થતો આવ્યો છે. તેમાંય ઘણા સમયથી ગટર ઉભરાવવાની જંજાળ વધુ વિકટ બની છે. તેમાંય લાતીપ્લોટ મેઈન રોડ ઉપર ખોદકામ કરાયું હોવાથી ફૂટ ફૂટના ખાડા પડી ગયા હોય ઉપરથી ગટર ઉભરાતી હોવાથી સ્થાનિકો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે થોડા દિવસો પહેલા સ્થાનિકોએ લાતીપ્લોટ મેઈન રોડની ગટર ઉભરવાની સમસ્યા મામલે રજુઆત કરીને તંત્રનો કાન આમળ્યો હતો. પણ તંત્રની પૂંછડી વાંકી તે વાંકી જ રહી હતી અને તંત્રએ કાયમની જેમ આ પ્રશ્ને પણ ઓરમાયું વર્તન દાખવતા આજે લાતીપ્લોટ મેઈન રોડ પર ગટરની સમસ્યા વધુ વક્રી હતી. રોડ ઉપર ખાડા પડયા હોય અને ઉપરથી ગટરના પાણી ભરાય રહેવાની આ રોડની પરિસ્થિતિ એકદમ કગ્રાબ બની ગઈ હતી.રોડની આવી હલતથી આજે રીક્ષા સહિતના એનેક વાહનો ખાડામાં ફસાઈ ગયા હતા. તેથી વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડી હતી.