વીજ પ્રશ્ન નહિ ઉકેલાય તો ધરણા કરવાની ખેડૂતોની ચીમકી હળવદ : વાવાઝોડા બાદ હળવદ તાલુકાના રાતાભેર, ડુંગરપુર, શિવપુર અને માણેકવાડા ગામમાં વીજ ધાંધિયાના કારણે ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે. અને જો આ સમસ્યા દુર નહીં થાય તો ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે. રાતાભેર, ડુંગરપુર, શિવપુર અને માણેકવાડા ગામમાં ડુંગરપુર સબસ્ટેશન હેઠળ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. ત્યારે છેલ્લા 7-8 દિવસથી રિપેરિંગ કામમાં બેદરકારી દાખવી લાઈન મેન્ટેન્સ યોગ્ય રીતે ન કરતાં હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. વાવાઝોડાના લીધે ડુંગરપુર સબસ્ટેશનમાં છેલ્લા 6 ફિડર 7-8 દિવસથી ફોલ્ટમાં હોવાથી આ ગામના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. પીજીવીસીએલના અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આ સંજોગોમાં જો લાઈનનું મેન્ટેન્સ કામ યોગ્ય રીતે નહીં થાય તો તમામ ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.