હળવદના અજિતગઢ ગામે વાવાઝોડા દરમિયાન બનેલી ઘટનામાં ગામના યુવાનોની સરાહનીય કામગીરી હળવદ : હળવદના અજિતગઢ ગામે વાવાઝોડા દરમિયાન વરસાદને લીધે થયેલા કાદવ કીચડમાં એક ગાય ગરક થઈ ગઈ હતી. આ બાબતની જાણ થતાં ગામના યુવાનોએ તાકીદે સરાહનીય કામગીરી કરીને કાદવમાં ફસાયેલી ગાયને મહામહેનતે બહાર કાઢીને બચાવી લીધી હતી. હળવદ પંથકમાં હમણાં જ આવેલા વાવાઝોડાએ ભારે ખાના ખરાબી સર્જી હતી. પણ વહીવટી તંત્ર અને જાગૃત લોકોની સતર્કતાથી લોકોનો આબાદ બચાવ થયો હતો. લોકોએ પણ આ વાવાઝોડામાં માનવ અને પશુઓને હાનિ ન પહોંચે તે માટે ભારે તકેદારી રાખી હતી. દરમિયાન હળવદના અજિતગઢ ગામે વાવાઝોડાને કારણે વરસેલા વરસાદને લીધે થયેલા કાદવ કીચડમાં એક ગાય ખુંપી ગઈ હતી અને આ ગાય ઉપર આફત ઉતરી હોવાની જાણ થતાં વાવાઝોડાની કપરી પરિસ્થિતિ વચ્ચે પણ ગામના સેવાભાવી યુવાનોએ પશુ પ્રત્યે સંવેદના દર્શાવી તાત્કાલિક ત્યાં દોડી જઈને કાદવમાં ફસાયેલી ગાય માતાને મહામહેનતે બહાર કાઢીને હેમખેમ ઉગારી લીધી હતી.