વાવડી રોડ વિસ્તારનું એક ટોળું ગયા બાદ બીજા ટોળાએ પણ પાણી પ્રશ્ને નગરપાલિકા ખાંડા ખખડાવ્યા મોરબી : મોરબી નગરપાલિકા કચેરીમાં આજે એક ટોળું પાણી પ્રશ્ને મોરચો માંડીને ગયા બાદ બીજા વિસ્તારમાંના ટોળાએ પણ પાણી પ્રશ્ને નગરપાલિકામાં હંગામો મચાવ્યો હતો. જેમાં વાવડી રોડના વાડી વિસ્તારમાં પણ પાણી પ્રશ્ને રહીશોએ પાલિકા કચેરીમાં ખાંડા ખખડાવી ઉગ્ર રજુઆત કરી હતી. મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કપૂરની વાડી વિસ્તારના રહીશો પાણી પ્રશ્ને નગરપાલિકાએ રજુઆત કરવા દોડી ગયા હતા. આ રહીશોએ પાલિકા તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમના વાડી વિસ્તારમાં બે મહિનાથી પાણી આવતું નથી. પાણી ન આવતા જ્યાં ત્યાં લોકોને વલખા મારવા પડે છે અને પાણી માટે ભારે હાડમારી વેઠવી પડે છે. જો કે બે મહિનાથી પાણી ન આવતું હોય તેમાં તેમના વિસ્તારમાં પાણીની લાઇન તૂટી ગઈ હોય છતાં રીપેર કરવા ન આવતા આ સમસ્યા ઉદભવી છે. એટલે હાથે જ લાઇન રીપેર કરવી પડે છે પણ સાવ કાગળ જેવી લાઇન હોવાથી વારંવાર તૂટી જાય છે. તૂટેલી લાઈનમાં કચરો ફસાઈ જતા પાણી આવતું નથી. પાણી ઉપરાંત સ્ટ્રીટ લાઈટ ન હોય તથા ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા હોય રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી આ બાબતે પાલિકા તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.