એક મહિનાથી પાણી ન આવતા મહિલાઓ વિફરી, પાણી પુરવઠા કચેરી અને પાલિકામાં રજુઆત બાદ બન્ને તંત્રએ એકબીજાને ખો આપતા મહિલાઓ રોષે ભરાઇ મોરબી : મોરબીના સામાકાંઠાની સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓએ નગરપાલિકામાં મોરચો માંડ્યો હતો. આ સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી પાણી ન આવતા મહિલાઓ વિફરી હતી અને મહિલાઓએ પાણી પુરવઠા કચેરી અને પાલિકામાં રજુઆત કરતા બન્ને તંત્રએ એકબીજાને ખો આપતા મહિલાઓ રોષે ભરાય હતી. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી હરિ પાર્ક સોસાયટીની મહિલાઓ પાણી પ્રશ્ને પહેલા પાણી પુરવઠા બોર્ડની કચેરીએ રજુઆત કરવા દોડી ગઈ હતી અને પાણી પુરવઠા તંત્ર સમક્ષ તેમની સોસાયટીમાં એક મહિનાથી પાણી આવતું ન હોવાની રજુઆત કરી હતી. સામે પાણી પુરવઠા તંત્રએ મહિલાઓને એવા જવાબ આપ્યો હતો કે, તમાંરી સોસાયટીમાં અમારી લાઇન આવે છે. પણ અમારી લાઇન મેઈન ગામડામાં જાય છે એટલે ગ્રામ વિસ્તારની જવાબદારી અમારી હોય તમારી સોસાયટીની જવાબદારી અમારામાં આવતી નથી. પાણી પુરવઠાએ અમારી ફરજ ન આવતી હોવાનું કહેતા મહિલાઓ મોરબી પાલિકા કચેરીએ રજુઆત કરવા દોડી ગઈ હતી. પણ નગરપાલિકાએ આ જવાબદારી પાણી પુરવઠા ઉપર ઢોળીને હાથ ઊંચા કરી દીધા હતા બન્ને તંત્રના એકબીજા ઉપર ખો થી મહિલાઓ સમસમી ઉઠી હતી. મહિલાઓએ એવો બળાપો ઠાલવ્યો હતો કે, એક મહિનાથી તેમની સોસાયટીમાં પાણી આવતું ન હોય ટેન્કર મંગાવવા પડે છે. હવે ટેન્કરના પૈસા પણ ખૂટી ગયા છે. ઉપરથી પાણી પુરવઠા અને નગરપાલિકામાં રજુઆત કરવા ગયા તો બન્ને એકબીજા ઉપર જવાબદારી ઢોળી હોય અમારે પાણી પ્રશ્ને રજુઆત કરવા જવું હોય તો ક્યાં જવું ? તેવા સવાલ સાથે મહિલાઓએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.