મોરબીની બજારોમાં તમામ દુકાનો ખુલી, જનજીવન પૂર્વવર્ત થયું મોરબી : મોરબીમાં બે દિવસ સુધી વાવઝોડાએ હાહાકાર મચાવતા શહેરની તમામ બજારો બંધ થઈ ગઈ હતી. જયારે આજે વાવઝોડાની પરિસ્થિતિ એકદમ હળવીફુલ થઈ જતા મોરબીની તમામ બજારો પુનઃ ધમધમી ઉઠી છે. સવારથી વરસાદ ન હોવાથી બજારોમાં તમામ દુકાનો ખુલી ગઈ હતી અને જનજીવન પૂર્વવર્ત થયું છે. મોરબીમાં વાવઝોડા અગાઉ અગમચેતીના ભાગરૂપે ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરે વાવઝોડા દરમિયાન નુકશાની કે જાનહાની ન થાય તે માટે તમામ વેપારીઓને પોતાના વેપાર ધંધા બંધ રાખવાની અપીલ કરી હતી. આ અપીલને પગલે વાવઝોડામાં બે દિવસ સુધી મોરબીની તમામ બજારો બંધ રહી હતી.જો કે માત્ર મેડિકલ સ્ટોર સિવાયની તમામ દુકાનો બંધ રહી હતી. બજારો બંધ રહેતા લોકો ખરીદી અર્થે ન આવતા વાવઝોડામાં કોઈ હાનિ પહોંચી ન હતી. જો કે દુકાનો બહારના બોર્ડ અને બેનરોને નુકશાન થયું હતું પણ જાનહાની થઈ ન હતી. દરમિયાન આજે સવારથી વરસાદ ન હોવાની સાથે પવનમાં પણ ધટાડો થતા પરિસ્થિતિ હળવી થવાથી મોરબીના તમામ વેપારીઓ કામધંધે લાગી ગયા છે. મોરબી નહેરુ ગેઇટની બજાર, પરાબજાર, શાક માર્કેટ ચોક, નગરપાલિકા સામે શનાળા-રવાપર રોડ, જુના બસ સ્ટેન્ડ, સુપર માર્કેટ, જેલરોડ, નવા ડેલા રોડ, પરાબજાર, ગેસ્ટહાઉસ રોડ સહિતની તમામ દુકાનો આજે ઉઘડી ગઈ હતી અને બજારોમાં ખરીદી અર્થે લોકોની પણ સારી એવી ભીડ જોવા મળી હતી.