માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતની ટીમે ઝંઝાવાતમાં 292 વૃક્ષ હટાવી રસ્તા ખુલ્લા કરાવ્યા : વાવાઝોડા પહેલા અને બાદમાં સતત ટિમો દોડી મોરબી : અતિ ખતરનાક બિપરજોય વાવાઝોડા વચ્ચે મોરબી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતની ટીમે સતત દોડતા રહી વાવાઝોડા પહેલા અને પછીના સમયે કાબિલેદાદ કામગીરી કરી 108ની જેમ ફરજ અદા કરતા કપરી સ્થિતિમાં પણ જિલ્લાના એકપણ માર્ગ ઉપર ટ્રાફિક અવરોધાયો ન હતો. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતની ટીમે ઝંઝાવાતમાં 292 વૃક્ષ હટાવી રસ્તા ખુલ્લા કરાવ્યા હતા. મોરબી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અધિકારી હિતેષભાઇ આદ્રોજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આદેશ હેઠળ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતની ટીમો સતત સંકલનમાં રહીને વાવાઝોડા પૂર્વે તેમજ વાવાઝોડાની અસર બાદ 108ની જેમ ખડેપગે રહી કામગીરી કરતા કપરા સંજોગોમાં પણ મોરબી શહેર કે જિલ્લામાં અનેક વૃક્ષ અને વીજ થાંભલાઓ પડી જવા છતાં રાજ્ય કે ગ્રામ્ય ધોરી માર્ગ ઉપર ટ્રાફિક અવરોધાયો ન હતો. વધુમાં હિતેષભાઇ આદ્રોજાએ ઉમેર્યું હતું કે, વાવાઝોડા પૂર્વે માર્ગ અને મકાન વિભાગની ટીમો દ્વારા જિલ્લાના તમામ હાઈવેનું બારીકાઇ ભર્યું નિરીક્ષણ કરી મહેસુલી અને પંચાયતની ટિમ સાથે સંકલન કરી જોખમી હોર્ડિંગ્સ સહિતના માચળા ઉતરાવી લઈ લોકો, વાહન ચાલકો ઉપરનું જોખમ દૂર કરવાની સાથે વાવાઝોડામાં ભારે પવનને કારણે 292 જેટલા વૃક્ષ સ્ટેટ અને ગ્રામ્ય માર્ગો ઉપર પડી જતા તાત્કાલિક તાત્કાલિક દૂર કરવાની કામગીરી કરી રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા જેને પગલે પ્રજાજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો.