વાવાઝોડા બિપરજોયને કારણે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ચોમાસાના પ્રારંભને વિઘ્ન નહીં નડે મોરબી : વાવાઝોડા બિપરજોયને કારણે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ચોમાસાના આગમન પ્રશ્નાર્થો સર્જાયા હતા, જો કે હવામાન વિભાગે વાવાઝોડાથી ચોમાસાના પ્રારંભને અડચણો નકારી હતી ત્યારે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં 21 જૂનથી વિધિવત ચોમાસાનો પ્રારંભ થશે તેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તર મધ્ય ગુજરાત, રાજસ્થાન અને દેશના અડધા ભાગોમાં બિપોરજોય વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 6 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. સામાન્ય પુર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. સાથે જ ગુજરાતમાં 21 જૂનથી 8 જુલાઈ સુધી વિધિવત રીતે ચોમાસું બેસી શકે છે. આગામી માસમાં વરસાદ ચોમાસા પેર્ટન મુજબ થશે. ચાલુ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની સંભાવના છે. હાલ રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાના કારણે ઘણા જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે 12 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જે મુજબ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ અને બનાસકાંઠા ઉપરાંત રાજકોટ, સાબરકાંઠા, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે.