મોરબી : બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે પણ મોરબીમાં માનવતા મહેકી રહી છે. સ્થળાંતરિત અને વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારના લોકો માટે ફૂડ પેકેડ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે મોરબીના વિવિધ એસોસિએશન અને કંપનીઓ દ્વારા 10 હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર સાથે સંકલન રાખી વિવિધ જગ્યાએ પહોંચતા કરવામાં આવી રહ્યા છે. મોરબીના ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા 1 હજાર, ખાણ ખનીજ એસોસિએશન દ્વારા 1500, સિરામિક એસોસિએશન દ્વારા 3 હજાર, પેપર મીલ એસોસિએશન દ્વારા 1650, ખોડિયાર મંદિર દ્વારા 700, વરિયા પ્રજાપતિ સમાજ દ્વાર 2 હજાર, રાધે ભરડિયા 500 અને દેવ સોલ્ટ દ્વારા 2 હજાર મળી કુલ 10 હજાર જેટલા ફૂડ પેકેટ અત્યાર સુધીમાં તૈયાર કરાયા છે અને આ તમામ ફૂડ પેકેટ મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર વોર રૂમ ખાતે મોકલવામાં આવ્યા છે. વોર રૂમ ખાતેથી જરૂરિયાતમંદ વિસ્તારોમાં અત્યાર સુધી 8 હજાર જેટલા ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા છે અને હજું પણ જેમ જેમ જરૂર પડશે તેમ સંસ્થાઓ અને એસોસિએશન દ્વારા ફૂડ પેકેડ બનાવવામાં આવશે.