સરકીટ હાઉસ પાસે રોડની વચ્ચોવચ લટકતું મોતનું જોખમ મોરબી : મોરબી મહારાણા પ્રતાપ સર્કલથી માળીયા, હળવદ હાઇવે ઉપર જતા માર્ગ ઉપર સરકીટ હાઉસ નજીક કરવામાં પોલીસની કેમેરા માટેની લોખંડની કમાન ભારે પવનમાં લટકી રહી હોવાનું તેમજ માળીયા ફાટકે હાઇમાસ્ટ લાઈટનો થાંભલો પણ ખાંગો થઈ ગયો હોવાનું જાણવા મળે છે. બીપરજોય વાવાઝોડાને પગલે મોરબીમાં ફૂંકાઈ રહેલા ભારે પવનને કારણે આજે સવારના સમયે મહારાણા પ્રતાપ સર્કલથી માળીયા, હળવદ હાઇવે ઉપર જતા માર્ગ ઉપર સરકીટ હાઉસ નજીક રોડના બન્ને છેડાઓ ઉપર ઉભી કરાયેલ પોલીસની કેમેરા માટેની કમાન ભારે પવનમાં લટકી રહી હોવાથી વાહન ચાલકો માટે જોખમ ઉભું થયું છે. આ ઉપરાંત માળીયા ફાટકે હાઇમાસ્ટ લાઈટનો થાંભલો પણ ખાંગો થઈ ગયો હોવાનું જાણવા મળે છે. જો કે, બન્ને માચડા હાલમાં જોખમી બન્યા હોવા છતાં સરકારી તંત્ર બેખબર હોવાનું સૂત્રો જણાવી રહયા છે. બીજી તરફ આ મામલે મોરબી માર્ગ અને મકાન વિભાગમાં અધિકારી હિતેશ આદ્રોજાનો સંપર્ક સાધતા આ કમાન પોલીસ વિભાગ હસ્તક હોવાનું જણાવ્યું હતું અને હાઇમાસ્ટ લાઈટનો થાંભલો નેશનલ હાઇવે ઓથોરિટીનો હોય બનાવ અંગે જાણ કરનાર હોવાનું જણાવ્યું હતું.