મોરબી : અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદર પર ટકરાવા સાથે જ કહેરની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ જિલ્લાના માંડવી સહિત 10 તાલુકામાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. તોફાની પવન સાથે વરસેલા વરસાદના કારણે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે અને હાલ ભૂજ-નલિયા હાઈવે બંધ કરાયો છે. જાગરણ ગુજરાતીના અહેવાલ મુજબ હાલ કચ્છ જિલ્લામાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે અનેક ઠેકાણે છાપરા, પતરાના શેડ અને વીજ પોલ ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યાં છે. વૃક્ષો ધરાશાયી થવાના કારણે ભૂજ-નલિયા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. મુન્દ્રા ખાતે આવેલ અદાણીની ઓફિસના પતરા પણ ઊડ્યા હતા. જખૌ ખાતે આવેલા પેટ્રોલ પંપની છત ધરાશાયી થઈ હતી. હાલ જખૌથી 10 કિ.મી દૂર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં લોકોની અવર-જવર પર રોક લગાવી દેવામાં આવી છે.