મોરબી : સંભવિત બિપરજોય વાવાઝોડાના સંકટ દરમિયાન માળીયા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનની સફળતાપૂર્વક ડિલિવરી કરાવવામાં આવી હતી. સંભવિત બિપરજોય વાવાઝોડા અંતર્ગત ગઈકાલે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, મોરબી- માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી પ્રભારી સચિવ મનીષા ચંદ્રા, કલેકટર જી.ટી.પંડ્યા, ડીડીઓ ડી.ડી.જાડેજા, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, અન્ય આગેવાનો, પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, સી.ડી.એચ.ઓ. ડો. કવિતાબેન દવે દ્વારા મોરબી જિલ્લાના માળીયા (મી.)તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. અને બિપોરજોય વાવાઝોડાને લગતી કરવાની થતી કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ સમયે બિપોરજોય વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લેતા જે સગર્ભા બહેનોને ડિલિવરીની તારીખ નજીક હોય એવા 3 સગર્ભા બહેનોને સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા અને નાણાં મંત્રી, ધારાસભ્ય અને અધિકારીઓ દ્વારા સગર્ભા બહેનોની મુલાકાત કરવામાં આવી હતી. આજે સવારે 10 વાગ્યે સગર્ભા બહેનોમાંથી 1 બહેનની સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નિરાલી ભાટીયા, નર્સિંગ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમય નું બાળકનું વજન ૩.૬ કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે. વાવાઝોડાની પરિસ્થિતિને જોતા આરોગ્ય વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં 134 સગર્ભા બહેનોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાંથી માળીયા તાલુકાના દરિયા કાંઠા વિસ્તારમાંથી 10 જેટલા સગર્ભા બહેનો હતા. જેમાંથી 3 સગર્ભાને સરવડ આરોગ્ય કેન્દ્ર ખાતે, 1 સગર્ભાને વવાણિયા અને ખાખરેચી આરોગ્ય કેન્દ્રમાં 4 સગર્ભાને ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી આજે સરવડ આરોગ્ય કેન્દ્રમાં એક સગર્ભાની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી હતી.