મોરબીના શનાળા રોડ ઉપર નીતિનનગર પાસે એ ડિવિઝન પોલીસની કાર્યવાહી મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે શનાળા રોડ ઉપર નીતિનનગર પાસે વોચ ગોઠવી કારમાં રેડ લેબલ, બ્લેન્ડર અને બેલેન્ટાઇન સ્કોચની મોંઘી શરાબની બાટલીઓ લઈને નીકળેલા એક શખ્સને ઝડપી લઈ સપ્લાયરનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર નીતિનનગર નજીક સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી જીજે - 01 - KP - 1338 નંબરની કારને અટકાવી તલાસી લેતા કારમાં સવાર આરોપી ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા રહે.શકત શનાળા વાળાના કબ્જામાંથી જ્હોની વોકર રેડ લેબલ બ્રાન્ડ સ્કોચની 4 બોટલ કિંમત રૂપિયા 7180, બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કીની 2 બોટલ કિંમત રૂપિયા 1970 અને બેલેન્ટાઇન ફાઈનેસ્ટ સ્કોચની 2 બોટલ કિંમત રૂપિયા 2000 મળી આવતા પોલીસે રૂપિયા 50 હજારની કાર, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,12,150નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આરોપી ઘનશ્યામસિંહે વિદેશી દારૂનો આ જથ્થો ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે રહેતા અજયસિંહ બળવંતસિંહ જાડેજા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે અજયસિંહને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.