પીપળના વૃક્ષ નીચે બાંધેલ ભેંસ છોડવાં જતી વખતે બની ઘટના હળવદ : બીપરજોય વાવાઝોડાને પગલે હળવદ પંથકમાં ગઈકાલથી જ પવન અને વરસાદી ઝાપટા ચાલુ થયા છે ત્યારે ગઈકાલે મોડી સાંજે ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલ વાડીએ પીપળના ઝાડ નીચે બાંધેલી ભેંસ છોડવાં જતી વેળાએ મહિલા પર પીપળનું ઝાડ પડતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમ વિસ્તારમાં આવેલ રમેશભાઈ શંકરભાઈ દલવાડીની વાડીએ તેઓના પત્ની ચંદ્રિકાબેન રમેશભાઈ દલવાડી ગઈકાલે મંગળવારે સાંજના 6 વાગ્યાની આસપાસ તેઓની વાડીએ પીપળના ઝાડ નીચે બાંધેલી ભેંસ છોડવા માટે ગયા હતા તે અરસામાં પીપળનું ઝાડ ચંદ્રિકાબેન પર પડતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી પ્રથમ સારવાર માટે હળવદ લઈ આવવામાં આવ્યા હતા જોકે ઈજા વધુ હોવાના કારણે વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે જ્યાં તેઓની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ બનાવને પગલે ઘનશ્યામપુર ગામના સરપંચ રતનબેન દલવાડી તેમજ તલાટી કમ મંત્રી જે.વી ભરવાડ સહિતનાઓ ઘટના સ્થળે દોડી જઈ પંચ રોજ કામ કરી બનાવની જાણ હળવદ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી.