અતિ ખતરનાક બનેલ વાવાઝોડું જખૌ નજીક 15 જૂને લેન્ડ થશે ત્યારે 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી મોરબી : અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડું બિપરજોય અતિ ખતરનાક બની સૌરાષ્ટ્ર - કચ્છના દરિયાકાંઠા તરફ ધીમી ગતિએ આગળ ધપી રહ્યું છે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા છ કલાકમાં પ્રતિ કલાક 3 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આગળ ધપ્યું છે અને હાલમાં જખૌથી 280 કિલોમીટર દૂર છે. આવતીકાલે સાંજ સુધીમાં વાવાઝોડું જખૌ બંદર નજીક લેન્ડફોલ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન મુજબ વાવાઝોડું બિપરજોય વેરી સિવિયર સ્ટ્રોમ એટલે કે અતિ ખતરનાક બની સૌરાષ્ટ્ર - કચ્છના દરિયાકાંઠા તરફ ધીમી ગતિએ આગળ ધપી રહ્યું છે, વાવાઝોડા ઉપર સતત નજર રાખી રહેલ હવામાન વિભાગે ઉમેર્યું છે કે, છેલ્લા છ કલાકમાં પ્રતિ કલાક 3 કિલોમીટરની ઝડપે આગળ વધી રહેલ બિપરજોય આવતીકાલે તા.15 જૂને સાંજ સુધીમાં કચ્છના જખૌ બંદર નજીક ટકરાવની શક્યતા છે, વાવાઝોડું લેન્ડ ફોલ કરશે ત્યારે પ્રતિ કલાક 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી વાવાઝોડાને પગલે આજે પણ કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર,રાજકોટ,મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.