મોરબીના તમામ હાઇવે ઉપર હોર્ડિંગ્સના ખડકલા, તંત્રનું મૌન મોરબી : ચક્રવાત બિપોરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ જેની ભયંકર અસર વર્તાઇ રહી છે. ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયુ છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેની અસર હાલ મોરબી જિલ્લામાં પણ દેખાઈ રહી છે અને રવાપર રોડ પર એક હોર્ડિંગ્સ તૂટી પડતા દીવાલ ધરાશાયી થઈ હતી જેથી હજુ પણ તંત્રની કામગીરી અધુરી જ હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ હાઇવે ઉપર આવા જોખમી હોર્ડિંગ્સ હજુ પણ મોત બનીને લટકી રહ્યા હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. વાવાઝોડાનો ખતરો જોતા મોરબી શહેરમાં સોમવારથી વહીવટી તંત્ર વિવિધ કામગીરી કરી રહ્યું છે વાવાઝોડામાં ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે તમામ તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે નગરપાલિકા તંત્રએ મોરબી શહેરમાં જોખમી હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી કરી હતી જોકે મંગળવારે રવાપર ગામ નજીક એક હોડીંગ તૂટી જતા દીવાલ ધરાશાયી થઈ હતી સદનસીબે આસપાસમાં કોઈ હાજર ના હોય જેથી જાનહાની ટળી હતી પરંતુ આવા જોખમી હોર્ડિંગ્સ ક્યારે હટાવાશે તે મોટો પ્રશ્ન છે હાલમાં મોરબી નગરપાલિકા તંત્રએ શહેરમાં તો હોડીંગ્સ હટાવવાની કામગીરી કરી છે પરંતુ હાઈવે પરના મહાકાય હોર્ડિંગ્સ જેમના તેમ જોવા મળે છે મોરબી-રાજકોટ હાઈવે, મોરબી-જેતપર અને મોરબી હળવદ હાઈવે તેમજ મોરબી-માળિયા નેશનલ હાઈવે પર હોર્ડિંગ્સ જેમના તેમ છે. આ સંજોગોમાં હાઈવે પર ઝડપથી વાહનો જતા હોય ત્યારે કોઈ હોર્ડિંગ્સ તૂટી પડે તો દુર્ઘટના સર્જાઈ શકે છે હાઈવે પર ખાનગી માલિકીની જગ્યામાં હોર્ડિંગ્સ ખડકી દેવામાં આવ્યા છે જેને હટાવવા જરૂરી છે નહિ તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. હાઈવે પરના હોર્ડિંગ્સ હટાવવા તંત્ર તાકીદે કામગીરી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.