શહેરની નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલમાં ૪૫૦ તથા તાલુકાના ભોજપરા પ્રાથમિક શાળામાં ૧૫૦ લોકોને ખસેડાયા વાંકાનેર : વાવાઝોડાને પગલે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની આગેવાનીમાં શહેર તથા તાલુકાના નિરાશ્રિતો તેમજ ઝૂંપડપટ્ટી તથા કાચા મકાનોમા રહેતા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. ધારાસભ્ય સોમાણીના માર્ગદર્શન હેઠળ શહેરના દરેક વિસ્તારમાં રિક્ષા ફેરવી લોકોને સલામત જગ્યાએ રહેવા અપીલ કરવામાં આવી હતી તેમજ સોમાણીની સૂચના ને અનુસંધાને ભાજપના શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી દ્વારા સંગઠનની ટીમ દ્વારા શહેરમાંથી અસરગ્રસ્તો માટે શહેરની ગર્લ્સ હાઈસ્કૂલમાં લોકોને ખસેડાયા હતા. હાલ કાચા મકાનો તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા તેમજ ખુલ્લમાં રહેતા પરપ્રાંતીઓ સહિત ૪૫૦ લોકોને પાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલમાં ખસેડાયા હતા. જ્યાં ધારાસભ્યના સીધા માર્ગદર્શન હેઠળ રહેવા સાથે ગરમા ગરમ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તાલુકાના ભોજપરા ખાતે પ્રાથમિક શાળામાં ૧૫૦ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે જ્યાં તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા શહેર તથા તાલુકાના પ્રજાજનોને સલામત સ્થળે રહેવાની અપીલ કરવામાં આવી છે. જરૂર જણાયે કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાય તો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. ધારાસભ્યના સેવાયજ્ઞમા પાલિકા તંત્ર, હાઇસ્કુલ સ્ટાફ જોડાયો હતો. મહિલા કર્મચારીઓ દ્વારા જાતે રસોઈ બનાવી લોકોને જમવાની વ્યવસ્થા સંભાળી હતી. વધુમાં જીતુભાઇ સોમાણીએ હજુ વધુ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે લોહાણા સમાજની વાડી તેમજ અન્ય વાડીઓ ખુલ્લી મુકાવી છે.