મોરબી : મોરબી 181 મહિલા હેલ્પલાઈન દ્વારા એક નિઃસહાય મહિલાને આશ્રય આપીને પ્રશંસનીય કામગીરી કરી છે. ગત તારીખ 10 જૂનના રોજ 181 મહિલા હેલ્પલાઈન પર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને અજાણી મહિલાને મદદની જરૂર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તુરંત 181 મોરબી લોકેશન ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન, પાયલોટ રાજભાઈ તેમજ કોન્સ્ટેબલ રંજનબેન ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તે મહિલા પાસે જઈ સૌપ્રથમ તો તેમને પહેલા સાંત્વના આપી હતી અને ત્યારબાદ તેમનું કાઉન્સેલિંગ કરીને પુછતાછ કરી હતી. પરંતુ આ મહિલા તેમના સરનામા અંગે માહિતી આપી શક્યા ન હતા. ત્યારે અન્ય વ્યક્તિએ જણાવ્યું હતું કે આ મહિલા વાડીમાં કામ કરે છે અને ત્રણ દિવસથી વાડીમાં એકલા બેસી રહેતા હોવાનું જણાવ્યું હતું. આસપાસમાં પણ કોઈ મહિલાને ઓળખતું ન હોવાનું જાણવા મળ્યું હતું. તેથી આ મહિલાને આશ્રયની જરૂર હોય અભયમની ટીમે મોરબી સખીવન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો હતો. ત્યારે સ્થાનિક લોકોએ અભયમની માનવતા ભરી કામગીરીની પ્રશંસા કરી હતી.