વાવાઝોડાને પગલે સરકારના આદેશ બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સતાવાર જાહેરાત : શિક્ષકોને ફરજ ઉપર હાજર રહેવા આદેશ મોરબી : બીપરજોય વાવાઝોડુ મોરબી સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લામાં વ્યાપક અસર કરનાર હોય સરકારના આદેશને પગલે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આવતીકાલે તા.13થી તા.15 જૂન સુધી જિલ્લાની તમામ શાળાઓમાં ત્રણ દિવસ રજા જાહેર કરવામા આવી છે, જો કે, શિક્ષકોએ ફરજ ઉપર હાજર રહેવા આદેશ કરાયો છે. મોરબી જિલ્લા શિક્ષણાધિકારી એન.વી.રાણીપાએ સતાવાર જાહેરાત કરતા જાહેર કર્યું હતું કે, વાવાઝોડા બીપરજોયની વિનાશક અસરની દહેશતને પગલે મોરબી જિલ્લામાં આવતીકાલે તા.13, 14 અને 15ના રોજ ધોરણ 1થી 12 સુધીની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમા રજા જાહેર કરવામાં આવી છે. જો કે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાના તમામ કર્મચારીઓએ ફરજ ઉપર અવશ્ય હાજર રહેવાનું છે. આ આદેશનો તમામ શાળા સંચાલકો અને આચાર્યને પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે.