ટંકારા : ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા પૂર્ણા શક્તિ યોજના અંતર્ગત કિશોરીઓની આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોરબી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા બધા જ હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટર દ્વારા પૂર્ણા શક્તિ યોજના અંતર્ગત શાળાએ જતી તેમજ શાળાએ ન જતી કિશોરીઓના વજન, ઊંચાઈ, હિમોગ્લોબીન તપાસ તેમજ BMI ના અનુસંધાને જરૂરીયાતવાળી કિશોરીઓને આયર્ન ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવી હતી અને કિશોરીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લા આરોગ્ય વિભાગમાંથી જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.દીપક બાવરવા હાજર રહ્યા હતા. તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ બાવરવા તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશ કે પટેલ તથા તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ તેમજ પ્રાથમિક કેન્દ્રના મેડિકલ ઓફિસરો તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.