મોરબી : સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું બિપરજોયના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખતા સરકારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈયાર કરી રાખી છે.અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાથી વાવાઝોડું વધારે એક્ટિવ થયું હોવાને પગલે મોરબીના નવલખી બંદર ઉપરાંત ઓખા, વેરાવળ, માંગરોળ, પોરબંદર, જાફરાબાદ અને પીપાવાવ બંદરો પર બે નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાને કારણે બિપરજોય વાવાઝોડું વધુ સક્રિય બન્યું છે. બુધવાર સાંજ સુધી આ વાવાઝોડું પોરબંદરથી 1060 કિમી દૂર હતું પરંતુ ગુરુવાર બપોર સુધીમાં 890 કિમી દૂર પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની પ્રથમ બેઠક યોજાઈ હતી. જેમાં તમામ વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા છે. વેધર વોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું કે, જૂન-જુલાઈમાં ગુજરાતમાં સામાન્ય રીતે વધુ વરસાદ પડે છે. આ દરમિયાન વાવાઝોડું અને પૂરની સ્થિતિ ઉદભવતી હોય છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો-એજન્સી સાથે યોગ્ય-તાત્કાલિક સંકલન કરીને રાહત કામગીરી વધુ પ્રભાવી રીતે કરી શકાય તે જરૂરી હોવાથી ગુજરાતમાં વરસાદની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે NDRFની 15 અને SDRFની 11 ટીમો સ્ટેન્ડ બાય કરવામાં છે. બિપરજોય વાવાઝોડાની અસરથી શુક્રવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે.