મહેશ હોટલવાળી શેરીમાં ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ આગ બુઝાવી મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટલવાળી શેરીમાં આવેલી કલર શોપમાં આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને બે કલાકની જહેમત બાદ આગ બુઝાવી હતી. આગના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટલવાળી શેરીમાં આવેલી કલર શોપમાં આજે બપોરે કોઈ કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગે જોત જોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા કલર શોપ આખી આગની લપેટમાં આવી જતા આગના લબકારા અને ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. જો કે આજુબાજુ ઔધોગિક એરિયો હોય એ દુકાનમાં લાગેલી આગ બાજુ પ્રસરે તેવી ભીતિથી સ્થાનિકો ફફડી ઉઠ્યા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટિમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગ બુઝાવી હતી.