ગતરાત્રે ટ્રક ચાલકે અકસ્માત સર્જતાં બે યુવાનોના મોત થવાથી બન્નેના પરિવારમાં અરેરાટી મોરબી : મોરબીના ટીબંડીના પાટિયા પાસે ટ્રક ચાલકે ગતરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. જેમાં પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા બાઇક સવાર બન્ને યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતમાં બે યુવાનોના મોત થતા બન્નેના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. મોરબી તાલુકા પોલીસ મથકેથી અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સિલ્વર સોસાયટીમાં રહેતા સંજયભાઈ દિનેશભાઇ સનુરા અને મુનેશભાઈ અનુભાઈ સુરેલા નામના બે યુવાનો ગતરાત્રે પોતાના બાઇક ઉપર મોરબીના ટીબંડીના પાટિયા પાસેથી કોઈ કામસર પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતા એક ટ્રક ચાલક સાથે આ ડબલ સવાર બાઇક જોરદાર રીતે અથડાયું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બન્ને યુવાનો સંજયભાઈ દિનેશભાઇ સનુરા અને મુનેશભાઈ અનુભાઈ સુરેલાના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસના જમાદાર મનીષભાઈ અને રાઇટર સાગરભાઈ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, બંને મૃતકો મિત્રો હતા અને કોઈ કામસર રાત્રે પસાર થતા હતા. ત્યારે ટ્રક હડફેટે બન્ને મિત્રોનો ભોગ લેવાયો હતો. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.