વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને નવ વર્ષ પુરા થતા ભાજપના ધારાસભ્યો, સાંસદ અને ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરો તમામ ક્ષેત્રેના લોકોને મળીને કેન્દ્ર સરકારના કામોની જાણકારી આપશે મોરબી : આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અત્યારથી તમામ વર્ગના લોકોને વિશ્વાસમાં લેવાનું અભિયાન આદર્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની સરકારને નવ વર્ષ પુરા થતા દરેક જિલ્લાની જેમ મોરબી જિલ્લામાં પણ એક મહિના સુધી ભાજપ જન સંપર્ક અભિયાન ચલાવશે અને ભાજપના ધારાસભ્યો, સાંસદ અને ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરો તમામ ક્ષેત્રેના લોકોને મળીને કેન્દ્ર સરકારની કામગીરીથી અવગત કરાવશે. આ અંગે કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે સફળતાપૂર્વક નવ વર્ષ પુરા કર્યા છે. કેન્દ્રની સરકારના નવ વર્ષની સફળતાના લેખાજોખા લોકો સુધી પહોંચાડવા તેમજ સરકારની દરેક યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે છે કે કેમ તેની જાણકારી મેળવવા માટે દરેક જિલ્લાની જેમ મોરબી જિલ્લામાં પણ 30 મેં થી 30 જૂન સુધી જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે જેમાં ભાજપના દરેક કાર્યકરો વેપારીઓ, ઉધોગકારો, દરેક સંસ્થાઓ, ધર્મસ્થાનો, દરેક ક્ષેત્રેના અગ્રણીઓ તેમજ તમામ વર્ગના લોકોને મળીને વાર્તાલાપ કરશે. તેમજ તીર્થસ્થાનોમાં ડેવલપમેન્ટના કામો થતા હોય તેમજ જ્યાં જ્યાં વિકાસ કામો થતા હોય તેની ભાજપના નેતાઓ અને કાર્યકરો મુલાકાત કરીને લોકોના કામ ઝડપથી થાય તેવા પ્રયાસો કરશે અને તમામ યોજનાના લાભાર્થીઓને મળીને તેઓને આ યોજનાનો લાભ મળે છે કે કેમ તેની જાણકારી મેળવશે. આ અભિયાન એક મહિનો સુધી ચાલશે અને એક મહિનામાં જિલ્લાના દરેક નાગરિક સુધી પહોંચીને કાર્યકરો કેન્દ્ર સરકાર દ્વારા મળતા લાભોની પણ જાણકારી આપશે તેમ તેઓએ જણાવ્યું હતું.