મોરબી જિલ્લા પંચાયતમાં કર્મચારીઓને ફરજ પર હાજર રાખવા ડીડીઓનો નવતર પ્રયોગ, વીડિયો કોલ દરમિયાન કર્મચારીઓ ગાયબ દેખાશે તો તેની સામે કડક કાર્યવાહી થશે મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં ગુટલીબાજ કર્મચારીઓ ઉપર વોચ રાખવા ડીડીઓએ નવતર પ્રયોગ કર્યો છે અને કર્મચારીઓ તેમજ અધિકારીઓને ડીડીઓએ ફરજ પર હાજર રાખવા માટે વીડિયો કોલ રિસીવ કરવાની કડક સૂચના આપી છે. આ વીડિયો કોલ દરમિયાન કોઈ કર્મચારીઓ વીડિયો કોલ રિસીવ નહિ કરે તો તેણે ગુટલી મારી હોવાનું સમજીને તેની સામે કડક કાર્યવાહી કરાશે તેવું ડીડીઓએ પરિપત્રમાં જણાવ્યું છે. મોરબી જિલ્લા પંચાયતમાં થોડા સમય અગાઉ ડીડીઓ કેટલાક કર્મચારીઓને તેમની ચેમ્બરમાં બોલાવ્યા છે. ત્યારે ડીડીઓને જાણવા મળ્યું હતું કે, આ કર્મચારીઓ ફિલ્ડ વર્ક કરવા ગયા છે. પણ ડીડીઓએ સઘન ચેકિંગ કરતા હકીકત જુદી જ સામે આવતા તેઓ પણ ચોંકી ગયા હતા. ફિલ્ડનું કહીને આવા અમુક કર્મચારીઓએ ગુટલી મારી હોય એવી ચર્ચા સામે આવતા ડીડીઓએ આવા ગુટલીબાજ કર્મચારીઓને રંગેહાથ ઝડપી લેવા માટે કડક હાથે કામ લઈને એક પરિપત્ર જાહેર કર્યો હતો અને પરિપત્રમાં હવેથી દરેક કર્મચારીઓને વીડિયો કોલ કરવામાં આવશે અને જે કર્મચારીઓ વીડિયો કોલ નહિ ઉપાડે તો તેણે ફરજ પરથી ગુટલી મારી હોવાનું સમજીને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ વીડિયો કોલ માટે બે અધિકારીઓ ડી.એન.ઝાલરીયા અને સી.આર વાધેલાની નિમણૂક કરી છે અને આ અધિકારીઓ કર્મચારીઓને વીડિયો કોલ કરશે. આથી તમામ કર્મચારીઓને વીડિયો કોલ રિસીવ કરવાની કડક સૂચના આપી છે અને વીડિયો કોલ રિસીવ નહિ કરનાર સામે આકરા પગલાં લેવામાં આવશે તેવી તાકીદ કરી છે.