મોરબી : ગઈકાલે તારીખ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા યોગેશ્વર મંદિરે ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના પ્રમુખ મયૂરીબેન કોટેચા અને તેમની ટીમ દ્વારા યોગેશ્વર મંદિરે જન જાગૃતિ માટે વૃક્ષ અને પર્યાવરણ બચાવોના અલગ અલગ સ્લોગન બનાવી અલગ અલગ વિસ્તારોમાં આવેલા વૃક્ષો પર લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોલડ્રીંક્સની વેસ્ટ બોટલમાં તુલસીના રોપા રોપી તેનું વિતરણ કરાયું હતું અને ગરમીમાં ગાય અને શ્વાન જેવા પશુઓને પાણી પીવા માટે 25 કુંડીનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત તાજેતરમાં ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોના આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.