ટંકારા : ટંકારા ખાતે યોજાયેલી ગ્રામસભામાં ઉનાળાની વર્તમાન સ્થિતિમાં પાણીની અછત તેમજ 100 ચોરસ વારના પ્લોટ સહિતના પ્રશ્ને ગ્રામજનોએ રોષ વ્યકત કરી ઉગ્ર રજુઆત કરી હતી. ટંકારા ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલ ગ્રામસભામાં ગ્રામજનોએ પાણી મુદ્દે કરાયેલી ઉગ્ર રજૂઆત બાદ પાણી વ્યવસ્થા વધુ સુદઢ બને તેની ખાતરી ગ્રામજનોને આપવામાં આવી હતી. હમીરભાઇ ટોળીયા માલધારીએ ગૌચરની જમીન પર થયેલા દબાણ દુર કરવા લેખિતમાં રજૂઆત કરી હતી. હેમાલી પરમારે સબ સેન્ટર ટંકારા-૩ની જગ્યા ફાળવવા રજૂઆત કરી હતી. સાથે જ ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ, ભૂગર્ભ ગટર તેમજ ગૌચરમાં ખડકાયેલ દબાણ મામલે રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામસભામાં સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ ટંકારાના નગરનાકે સુશોભિત ગેઈટ બનાવવો તેમજ સી. સી.રોડ બનાવી નગર નાકાની શાન વધારવા લેખિત રજૂઆત કરી હતી. તથા ટંકારા ગામે સરકારી ખરાબાના સર્વે નંબર '૭૦૫' માં 'લોક હિતે'બે હેકટર જમીન તાત્કાલિક મંજુર કરી જાહેર હરરાજીથી રાહત દરે નાના અને મધ્યમ વર્ગના લોકોને 'ઘરનુ ઘર' મળી રહે તે હેતુથી ૧૦૦ ચો.વાર.ના પ્લોટની ફાળવણી કરી તેમાંથી થતી આવક ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ઉપયોગી બને તેવી લેખિતમાં રજુઆત કરી હતી. આ ઉપરાંત આંગણવાડીની અઠળક રજુઆતો, ગેરકાયદે ખડકાયેલા દબાણો સહિતના પ્રશ્ને ગ્રામસભામાં ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ સભામાં જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગના બી. એમ. ચારોલા હાજર રહ્યા હતા. સુચારું સંચાલન ટંકારાના તલાટી કમ મંત્રી હરદેવસિંહ જાડેજાએ કર્યું હતું. સરપંચ ગોરધનભાઈ ખોખાણી, ઉપસરપંચ નિર્મળાબેન ચાવડા, જિલ્લા પંચાયતનાં વિપક્ષી નેતા ભુપતભાઈ ગોધાણી, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલ, ગામ પંચાયત સદસ્ય રશમિકાંત દુબરીયા, બિલકિશબેન, સ્થાનિક અગ્રણી અરજણભાઈ ઝાપડા, મેડિકલ સ્ટાફ (હોમીયોપેથી), આશા વર્કર બહેનો, આંગળવાડી બહેનો, બેંક સખી મંડળો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.