પર્યાવરણના જતન અને વૃક્ષારોપણને આગવું મહત્વ આપવામાં આવ્યું મોરબી: આગામી તા. ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવવાની છે ત્યારે મોરબી જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગની નર્સરીઓ ખાતે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૨૫ લાખથી વધુ રોપાઓને ઉછેરી વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું છે. આ કાર્ય કરી સરકાર દ્વારા પર્યાવરણના જતન અને વૃક્ષારોપણને આગવું મહત્વ આપવામાં આવ્યું છે. સરકારના વન વિભાગ હસ્તકના સામાજીક વનીકરણ વિભાગ અને તે હસ્તકની નર્સરીઓ દ્વારા વન વિસ્તાર સિવાયના પ્રદેશમાં વધુમાં વધુ વૃક્ષા વાવી શકાય તે તરફ સતત પ્રયાસો કરવામાં આવે છે. વધુને વધુ વૃક્ષારોપણના સંકલ્પને સાર્થક કરતી આ નર્સરીઓ દ્વારા વિવિધ પ્રકારના રોપાઓને ઉછેરવામાં આવે છે અને ત્યારબાદ આ રોપાઓનું વિવિધ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી વૃક્ષોની સંખ્યા વધારવા માટે કાર્ય કરવામાં આવે છે. ઉપરાંત નાગરીકોને પણ રોપાઓનું વિતરણ કરવામાં આવે છે.મોરબી જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગ હેઠળ વાંકાનેરના પંચાસર અને વરડુસર, મોરબીના મોટા દહીંસરા અને ધરમપુર, રાતકડી-હળવદ ખાતે તથા ટંકારા મિતાણા ખાતે નર્સરીઓ આવેલી છે. જ્યા વિવિધ પ્રકારના રોપાઓને ઉછેરવામાં આવે છે અને તેમનું વાવતેર અથવા વિતરણ કરવામાં આવે છે. આ નર્સરીઓ ખાતે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૨૫ લાખથી વધુ રોપાઓને ઉછેરી વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત આ નર્સરીઓ ખાતે વર્ષ દરમિયાન ૬.૮૫ રોપાઓને ઉછેરીને તેમનું વાવેતર તથા વિતરણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં પણ મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મળી કુલ ૧.૫૦ લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવનાર છે. વન વિભાગની આ નર્સરીઓ ખાતે વિવિધ પ્રકારના ફુલછોડની સાથે આમળા, બોરસલી, જામફળી, કણજી, લીમડો, સીતાફળ, સરૂ, તુલસી, પીપડો, પેલ્ટાફોરમ, કરેજ, ખાટી આંબલી, વડ, આંબો, દાડમ વગેરે રોપાઓને ઉછેરી વાવેતર તથા વિતરણ કરવામાં આવે છે. સામાજીક વનીકરણ કાર્યક્રમ અન્વયે રોડ, રેલ્વે લાઈન, કેનાલ, ગામડાઓમાં વગેરે જગ્યાઓએ બિનઉપયોગી જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ વૃક્ષારોપણ થકી જે-તે વિસ્તારનું કુદરતી સૌદર્ય વધે છે. અને પર્યાવરણને પણ ફાયદો થાય છે. ઉપરાંત શાળાઓ, કોલેજો, સરકારી સ્કુલો, જાહેર સંસ્થાઓ, પ્રવાસન સ્થળો વગેરે જગ્યાઓએ પણ રોપાઓનું વાવેતર કરી તેની જાળવણી કરવામાં આવે છે.