રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રક હડફેટે એક બાઈક ચાલકનું મૃત્યુ : બે લોકો ઈજાગ્રસ્ત બન્યા મોરબી : મોરબી - જેતપર રોડ ઉપર બેલા ગામ તરફથી આવતા બેકાબુ ટ્રક કન્ટેનર ચાલકે રોંગ સાઈડમાં ધસી આવી બે બાઈક હડફેટે લેતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય બે લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ બેકાબુ ટ્રક કન્ટેનર વીજ પોલ સાથે ટકરાઈને ઉભું રહેતા એકત્રિત થયેલા લોકોએ ટ્રક ચાલકને પકડી પાડ્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં બેલા ગામે રહેતા ફરિયાદી વસીમભાઇ ઓસમાણભાઈ નરેજાએ જાહેર કર્યું હતું કે ગઈકાલે બપોરે મોરબી - જેતપર હાઇવે ઉપર બેલા તરફથી બેફામ ઝડપે આવી રહેલા ટ્રક કન્ટેનર નંબર જીજે-12-ઝેડ-3792ના ચાલક દીપુંકુમાર વિંદેશ્વરી રાય રહે.સારન, બિહાર વાળાએ પોતાનો ટ્રક રોન્ગ સાઈડમાં પુરપાટ ચલાવી તેમના બાઈક નંબર જીજે-36-એ-4086ને હડફેટે લીધું હતું આ ઉપરાંત પાછળ આવી રહેલા જીજે-03-એલક્યૂ -2949 નંબરના બાઇકને પણ હડફેટે લીધું હતું. વધુમાં આ અકસ્માત સર્જ્યા બાદ ટ્રક વીજ થાંભલા સાથે અથડાતા ઉભો રહી ગયો હતો અને આ અકસ્માતમાં ફરિયાદી વસીમભાઇ ઓસમાણભાઈ નરેજાને ગંભીર ઈજાઓ પહોંચવાની સાથે અન્ય બાઇકના ચાલક ઝારખંડના વતની અશોકકુમાર ધાનેશ્વરભાઈ ગુપ્તા હાલ રહે.ઘુંટુ ગામ વાળાનું ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું જયારે અશોકકુમારના બાઈક પાછળ બેઠેલ અજય પરમચંદ જાટને પણ ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે બેફામ સ્પીડે ટ્રક ચલાવી અકસ્માત સર્જનાર આરોપી ટ્રક ચાલક દીપુંકુમાર વિંદેશ્વરી રાયને અકસ્માત બાદ એકત્રિત થયેલ લોકોએ ઝડપી લીધો હતો. હાલમાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા વસીમભાઇ ઓસમાણભાઈ નરેજાની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.