2000ની નોટ બદલવા કોઈ ફોર્મ ભરવાની કે આઈડી પ્રુફ બતાવવાની જરૂર નથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્પષ્ટતા મોરબી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટોને ચલણથી બહાર કરવાનો નિર્ણય લીધો છે.ત્યારે આવતીકાલે તા. 23 મેથી બેંકમાં 2000 રૂપિયાની નોટો બદલવાની શરૂઆત થશે, જો કે 2000ની નોટ બદલાવવાને લઈ લોકો પેટ્રોલપંપ, સોનીની દુકાને દોડાદોડી કરી રહ્યા છે ત્યારે દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે, 2000ની નોટ બદલાવવા માટે કોઈ ફોર્મ ભરવું નહીં પડે કે કોઈ આઈડી પ્રુફ પણ રજૂ નહીં કરવું પડે. નોટબંધી -02 વચ્ચે લોકો 2000ની ચલણી નોટ બદલાવવાને લઈ ચિંતિત છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની નોટિફિકેશનમાં કહ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બદલાવવા માટે કોઈ પણ વ્યક્તિએ પોતાનું આઈડી પ્રૂફ આપવું નહીં પડે અને ન તો કોઈ ફોર્મ ભરવાનું છે. 20 હજાર રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ સરળતાથી એક વખતમાં એક્સચેન્જ કરાવી શકાશે. 23 મેથી 30 સપ્ટેમ્બર વચ્ચે કોઈ પણ વ્યક્તિ જેની પાસે 2000 રૂપિયાની નોટ હોય તે તેને અન્ય કિંમતની નોટોથી બદલાવી શકે છે. આ પ્રકારે બેંક અકાઉન્ટમાં પણ 2000 રૂપિયાની નોટ જમા કરવા માટે કોઈ પણ વધારાનું ફોર્મ ભરવાની જરૂરિયાત નથી.જો કે, જે પણ ડિપોઝિટને લઈને બેંકના નિયમ છે તેનું પાલન કરવું પડશે. જે લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે, તેઓ બિઝનેસ કોરેસ્પોનડેન્ટ સેન્ટર જઈને પણ 2000 રૂપિયાની નોટ એક્સચેન્જ કરાવી શકે છે, પરંતુ આ સેન્ટર પર માત્ર 4 હજાર રૂપિયા સુધીની જ 2000ની નોટ બદલી શકાય છે.