કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ દીકરીઓ માટે સરકાર બની શેઠ સગાળશા મોરબી : વંચિતોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે ગુજરાત સરકારે શેઠ સગાળશાની ભૂમિકામાં આવી મોરબી જિલ્લામાં 1552 દીકરીઓએ 1.80 કરોડ રૂપિયાનું મામેરું કર્યું હોવાનું સત્તાવાર આંકડા જાહેર થયા છે. મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ડી. એમ. સાવરિયા તથા એલ.વી. લાવડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કુંવરબાઇનું મામેરું યોજના કાર્યરત છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ અનુ. જાતીની દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. મોરબી જિલ્લામાં 1552 દીકરીઓએ આ યોજનાનો લાભ લીધો છે. સરકારે આ યોજનાનાં માધ્યમથી દીકરીઓને રૂ.1,80,80,000 ની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. જે પૈકી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાતવર્ગની 1297 દીકરીઓને 1,51,16,000 અનુ.જાતિ શહેરી વિસ્તારમાં 85 દીકરીઓને રૂ. 9,84,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 170 દીકરીઓને રૂ. 19,80,000ની સહાય આપવામાં આવી છે. “કુંવરબાઈનું મામેરું સહાય યોજના” માં પહેલા રૂ. 10 હજારની સહાય ચૂકવવામાં આવતી હતી. તેમાં રૂ. 2000 નો વધારો થતાં હાલ રૂ.12000ની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે https://esamajkalyan.gujarat.gov.in/’ એટલે કે ઈ-સમાજ કલ્યાણ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજી કરવાની હોય છે. વધુ માહિતી માટે જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી તેમજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લાપંચાયતનો સંપર્ક કરી શકાય છે. અરજી સમયે કન્યાનું આધાર કાર્ડ, કન્યાનું ચૂંટણી કાર્ડ- કન્યાના પિતા/ વાલીનું આધાર કાર્ડ- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલો કન્યાની જાતીનો દાખલો- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલો યુવકની જાતીનો દાખલો(જો હોય તો)-રહેઠાણ નો પુરાવો (વીજળી બીલ/ લાઇસન્સ/ભાડા કરાર/ ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક) કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો- કન્યાની જન્મ તારીખનો આધાર (L.C./જન્મ તારીખનો દાખલો/ અભણના કિસ્સામાં સરકારી ડોક્ટરનું પ્રમાણ પત્ર)- વરની જન્મ તારીખનો આધાર (L.C./ જન્મ તારીખનો દાખલો/ અભણના કિસ્સામાં સરકારી ડોક્ટરનું પ્રમાણપત્ર) લગ્ન નોંધણી પ્રમાણપત્ર બેન્ક પાસબુકની પ્રથમ પાનની નકલ/રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે) કન્યાના પિતા/વાલીનું બાહેંધરી પત્રક- જો પિતા હયાત ન હોય તો મરણ નો દાખલો સહીત વગેરે દસ્તાવેજો રજૂ કરવાના હોય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આવક મર્યાદા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૬,૦૦,૦૦૦ ની રાખવામાં આવી છે. અનુ. જાતીની કુટુંબ દીઠ બે દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. તેમાં યુવકની વય ૨૧ વર્ષ તથા કન્યાની વય ૧૮ વર્ષ હોવી આવશ્યક છે.લગ્નની તારીખથી ૨ વર્ષના સમયગાળામાં અરજી કરી શકાય છે.