મિયાણી ગામના ખેડૂત બેન્કમાંથી નાણાં ઉપાડી લાકડા ખરીદવા લાતીમાં ગયાને ગઠિયો થેલો બઠાવી ગયો : એલસીબી, સ્થાનિક પોલીસ દોડી હળવદ : હળવદ તાલુકાના મિયાણી ગામના ખેડૂત બેન્કમાંથી નાણાં ઉપાડી લાકડાની લાતીમાં લાકડું લેવા ગયાને ગઠિયો ભટકાઈ જતા રૂપિયા 3 લાખ ગુમાવવા પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમ તપાસમાં જોડાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામના વૃદ્ધ ખેડૂત બેચરભાઈ વિરમભાઇ કોળી અને તેમનો ભત્રીજો આજે હળવદ બેન્કમાંથી રૂપિયા ત્રણ લાખ ઉપાડી નારણબાપાની લાતીએ ઇકો ગાડીમાં લાકડા ખરીદવા ગયા હતા.બરાબર આ સમયે તેઓએ લાતીમાં ઇકો કારમાં રૂપિયા ભરેલો થેલો મૂકી બેદરકારી દાખવતા કોઈ અજાણ્યો ગઠિયો રૂપિયા 3 લાખ ભરેલો થેલો તફડાવી જતા વૃદ્ધ ઉપર આભ તૂટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતા જ હળવદ સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમ દ્વારા ગઠિયાની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે.