શહેરમાં ઘણી જર્જરિત ઇમારતો જોખમી બની ગઈ હોય પાલિકા તંત્રએ જે તે મિલ્કત ધારકોને કડક સૂચના આપી, જો કે ખુદ નગરપાલિકા કચેરી જર્જરિત હોય એની સામે ભેદી મૌન મોરબી : મોરબી શહેરમાં ઘણા સમયથી અનેક બિલ્ડીંગ જર્જરિત હોવાથી જોખમી બની ગઈ છે. આથી આ મુદ્દે ફરિયાદ ઉઠતા તેમજ રજુઆત થતા અંતે પાલિકા તંત્ર જાગ્યું છે અને પાલિકાના ચીફ ઓફિસરે જે જર્જરિત ઇમારતોના માલિકોને તેમની જર્જરિત ઇમારત સુરક્ષિત કરવા કે તેને હટાવી દેવાની કડક સૂચના આપી છે. મોરબી શહેરના ગીચ વિસ્તાર જેવા કે પરા બજાર, નહેરુ ગેઇટ અંદર આવેલ શોપિંગ સેન્ટર તેમજ મકાનો લાંબા સમયથી ખખડી ગયા છે. આવી ઘણી ઇમારતો જર્જરિત બની ગઈ છે અને જોખમી હોવાથી વારંવાર પોપડા ખરે છે જેથી ત્યાં વસતા લોકોના જીવ ઉપર જોખમ સર્જાઈ છે. થોડા સમય પહેલા શહેરના ગીચ વિસ્તારમાં જોખમી શોપિંગ સેન્ટરના દુકાનદારોએ પાલિકાને લેખિત ફરિયાદ કરી હતી કે, તેમનું શોપિંગ સેન્ટર જર્જરિત હોય ગમે ત્યારે તેમાંથી મસમોટા સ્લેબ પડતા હોય છે અને આ જોખમી શોપગ પડી જાય તો મોટી જાનહાની થઈ શકે છે. પણ આ શોપિંગના માલિક જર્જરિત ઇમારતના રીનોવેશન માટે કોઈ કાર્યવાહી કરતા નથી. આથી વેપારીઓ પાલિકા સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ તાજેતરમાં જાગૃત નાગરિકે શહેરમાં આવી જર્જરિત ઇમારતો હટાવી દેવાની રજુઆત કરી હતી. જર્જરિત ઇમારતોની રજુઆત અને ફરિયાદને પગલે પાલિકા તંત્ર હરક્તમાં આવ્યું છે અને નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.સી. પરમારે જર્જરિત ઇમારત મામલે એક નોટિસ જાહેર કરી છે. જેમાં તમામ ઇમારતોના માલિકોને સૂચના આપતા જણાવ્યું છે કે, શહેરમાં આવેલી તમામ જર્જરિત ઇમારતો, મકાનોને તેના માલિકો સુરક્ષિત કરે અથવા હટાવી દે નહિતર જે જાનમાલ થશે તો તેની જવાબદારી જે તે જર્જરિત ઇમારતોના માલિકોની રહેશે તેવી નગરપાલિકાના ચીફ ઓફિસરે ચેતવણી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં આવેલી જર્જરિત ઇમારતો સામે લાખ આંખ કરનાર ખુદ તંત્રની નગરપાલિકા કચેરીના અમુક વિભાગો જર્જરિત બની ગયા છે અને વારંવાર તેમાંથી પોપડા ખરે છે. તેથી કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરે છે. શહેરની જર્જરિત ઇમારતો સામે નોટિસ જારી કરનાર નગરપાલિકાને કોણ નોટિસ આપશે ઉપરાંત જે નોટિસ જાહેર કરી છે. તેમાં માત્ર માલિકોને ઇમારત સુરક્ષિત કરવાની અને હટાવી દેવાની સૂચના આપી છે. આવી સૂચનાનું પાલન મોટાભાગે થતું હોતું નથી. પણ કાર્યવાહી કરવાની કે તંત્ર પોતે હટાવી દેશે એવી કોઈ ચેતવણી આપી નથી. તેથી શુ તંત્ર જાનમાલનું નુકસાન થાય પછી જ કાર્યવાહી કરશે ? તેવો પ્રશ્ન ઉઠ્યો છે.