નંદીઘરમાં આશ્રય લેતા 600થી વધુ ગૌવંશને સરકારની સહાય લેતી 10 જેટલી ગૌશાળામાં મોકલવાનો નિર્ણય લેવાયો મોરબી : નાણાકીય ભીંસમાં આવી ગયેલ મોરબી નગરપાલિકાએ ખર્ચનું ભારણ ઘટાડવા માટે પંચાસર રોડ ઉપર આવેલ નંદીઘરમાંથી ગૌવંશને અન્ય ગૌશાળામાં ખસેડવાની તૈયારી શરૂ કરી છે. હાલમાં નંદીઘરમાં આશ્રય લેતા 600થી વધુ ગૌવંશને સરકારની સહાય લેતી 10 જેટલી ગૌશાળામાં મોકલવાનો નિર્ણય લેવાયો છે. મોરબી નગરપાલિકાએ અગાઉ શહેરમાં રખડતા ઢોરને પકડીને પંચાસર રોડ ઉપર આવેલી પાલિકા હસ્તકની જગ્યામાં રાખ્યા હતા અને આ સ્થળની પાલિકાએ નંદીઘરનું નામ આપ્યું હતું. ત્યારે હવે પાલિકા દ્વારા ગૌવંશને નિભાવવા માટેનો ખર્ચ ઘટાડવા માટે નંદીઘરમાં રહેલા ગૌવંશને ગૌશાળામાં ખસેડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે પાલિકાના વહીવટીદાર એન. કે. મુછારે જણાવ્યું હતું કે, આજથી નંદીઘરમાં આશ્રય લઈ રહેલા ગૌવંશને સરકારની જુદી જુદી સહાય લેતી ગૌશાળામાં મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ નંદીઘરમાં હાલ 600 જેટલા ગૌવંશ આશ્રય લઈ રહ્યા છે. જેનો પાલિકા તંત્ર દ્વારા નિભાવ કરવામાં આવતો હતો. આ તમામ ગૌવંશને જિલ્લાની 10 જેટલી ગૌશાળા અને પાંજરાપોળમાં મોકલવામાં આવશે અને આજથી નંદીઘરના ગૌવંશને વાંકાનેરના પાંજરાપોળમાં ખસેડવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકાના નંદીઘરમાં ગૌવંશને નિભાવવા માટે અંદાજે રૂપિયા 10 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો. જેથી આ ખર્ચ બચાવવા અને તેનો વિકાસકામોમાં ઉપયોગ કરવા માટે આ ગૌવંશને સરકારની સહાય અને દાન લેતી ગૌશાળા અને પાંજરાપોળમાં ખસેડવામાં આવશે તેમ વહીવટદાર દ્વારા જણાવાયુ હતું.