ત્રણ માળના ઘડિયાળના કારખાનામાં ઉપર જવા એક જ સીડી, સીડીના ભાગે જ આગ લાગતા ઉપર જઈ શકાય એવી સ્થિતિ જ ન હોવાથી આગ બુઝાવવામાં 18 કલાકનો સમય લાગ્યો મોરબી : મોરબીના લાતીપ્લોટમાં આવેલ ઘડિયાળના કારખાનામાં લાગેલી આગ 18 કલાકે માંડ માંડ કાબુમાં આવી હતી. જો કે આ ઘટનામાં આગ બુઝાવવામાં આડેધડ બાંધકામ અવરોધ રૂપ બન્યુ હોવાનું પુરવાર થયું હતું. ઉપરાંત ફાયર બ્રિગ્રેડ પાસે પણ ટાંચાના સાધનો જ હોવાથી આગ બુઝાવવામાં 18 કલાક જેવો સમય લાગ્યો હતો. જેના કારણે લાખોની નુક્શાની થઈ હતી. જો કે, મોરબી ફાયર બ્રિગ્રેડ પાસે અદ્યતન મશીનરી હોત તો આગ વહેલી બુઝાઈ ગઈ હોત અને આટલું બધું નુકસાન અટકી શક્યું હોત. મોરબીના લાતીપ્લોટમાં આવેલ મંગલમ કલોક ઘડિયાળના કારખાનામાં લાગેલી આગ બુઝાવવામાં 18 કલાક જેવો સમય લાગ્યો હતો. ગઈકાલે વહેલી સવારે 5 વાગ્યે લાગેલી આગ છેક રાત્રે 11 વાગ્યે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી હતી. આ આગ બુઝાવવામાં આટલી બધી વાર લાગવા પાછળનું મોટું કારણ આડેધડ બાંધકામ હોવાનું બહાર આવ્યું છે. હાલમાં શહેરમાં જ્યાં જુઓ ત્યાં મંજુરી વગર આડેધડ મસમોટી ઇમારતો ખડકી દેવામાં આવી છે. આવી રીતે બે ઇમારતો એટલી પરસ્પર ખડકી દેવામાં આવી છે કે આગ લાગે ત્યારે ફાયર બ્રિગ્રેડને અંદર જવા માટે જરાય રસ્તો બચતો નથી. એટલી સાંકડી જગ્યા હોય છે મોટાભાગના ઇમારતો ગીચતાવાળી છે. એટલે બિલ્ડરોએ જે નીતિ નિયમો નેવે મૂકી આડેધડ બાંધકામ કર્યા છે તેના કારણે ઉપર આગ લાગે તો તેને બુઝાવવા મોરબી ફાયર બ્રિગ્રેડ સક્ષમ ન હોવાંનું ગઇકાલની ઘટના ઉપરથી જણાઈ રહ્યું છે. મંગલમ કલોકમાં આગ લાગ્યા બાદ પળવારમા જ આગે ત્રણ માળના મસમોટા બિલ્ડીંગને ઝપટમાં લઇ લીધું હતું.અંદર જવા માટે એક જ સીડી હતી અને ત્યાંજ આગ લાગી હતી. બીજેથી ક્યાંય ઉપર જવાની વ્યવસ્થા જ ન હતી. વધુમાં સીડી પાસે પ્લાસ્ટિકની ઘડિયાળના કાચો પાકો માલ સળગતો હોય અને ઉપરથી આગ બુઝાવી નાખીએ તો ફરી પાછું નીચેથી પ્લાસ્ટિક સળગતું હોય એથી આગ ફરી વેગ પકડી લેતી હતી. વળી દરેક માળે પાટીશન છજું હોવાથી ઉપર જઈ શકાય એમ ન હતું. ફાયર બ્રિગ્રેડ એક પછી એક માળ ઉપર આગ બુઝાવતા મોડી સાંજે બે માળની આગ માંડ માંડ બુઝાવી શકાઇ હતી અને ત્રીજા માળે પહોંચતા તો ફાયર બ્રિગ્રેડને નાકે દમ આવી ગયો હતો. ફાયર બ્રિગ્રેડ સ્ટાફ માટે બહુ જ કપરું કામ હતું કારણ કે સામે આગની જ્વાળાઓ ઓલવતા ઓલવતા ઉપર જવાનું હતું. બીજી તરફ ઉપર જઈ શકાય તેવી કોઈ વ્યવસ્થા જ ન હતી. જો એક સિડી સિવાય બીજેથી ઉપર જઈ શકાતું હોત તો ફાયર બ્રિગ્રેડ આગ આસાનીથી બુઝાવી શક્ત. વળી ફાયર બ્રિગ્રેડ પાસે ટાંચાના સાધનો જ હતા. ચાર બાઉઝર સાથે હાથમાં પાઇપ લઈને આગ ઓલાવવાનું હતું. જો હાઇડ્રોલિક મશીન હોત તો આગ વહેલી બુઝાવી શકી હોત. જો કે ફાયર બ્રિગ્રેડમાં નવો ક્વોલિફાઇડ સ્ટાફની ભરતી કરી પણ સાધનો એના એજ રહ્યા,સાધનો ન હોવાથી આ આગ બુઝાવવામાં પણ વાર લાગી હતી. ફાયર બ્રિગ્રેડ સ્ટાફે તો આકરી મહેનત કરી હતી. પણ એની પાસે સીધી બીજા કે ત્રીજા માળે આગ બુઝાવી શકાય એવી મશીનરી જ ન હતી આ આગ બુઝાવવામાં ફાયર બ્રિગેડ સ્ટાફેને દીવાલ પણ તોડવાની કામગીરી કરવી પડી હતી.