B.Com અને BCAની પરીક્ષામાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવતી કોલેજની વિદ્યાર્થિનીઓ મોરબી : મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આર.ઓ. પટેલ મહિલા કોલેજમાં બી.કોમ. અને બીસીએમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ડંકો વગાડી ઝળહળતું પરિણામ લાવી મોરબીને ગૌરવ અપાવ્યું છે. મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આર.ઓ. પટેલ મહિલા કોલેજની બેચરલ ઓફ કોમર્સ સેમેસ્ટર- 1ની વિધાર્થિની ઢેઢી રુદ્રિકાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોમર્સ વિદ્યાશાખામાં યુનિવર્સિટી કક્ષાએ ટોપ ટેનમાં નવમું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સાથે મોરબી જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવી કોમર્સ વિદ્યાશાખામાં પોતાના નામનો ડંકો વગાડી સંસ્થા, કોલેજ અને પોતાના પરીવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગુંજતું કર્યું છે. જયારે બેચરલ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં (BCA) સેમેસ્ટર- 1 માં રૂપારેલિયા ખુશીએ યુનિવર્સિટી કક્ષાએ દશમો નંબર તથા મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી કમ્પ્યુટર સાયન્સ વિદ્યાશાખામાં પોતાના નામનો ડંકો વગાડી સંસ્થા, કોલેજ અને પોતાના પરીવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગુંજતું કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી વિદ્યાશાખાઓની સરખામણીએ બેચરલ ઓફ કોમર્સ વિદ્યાશાખામાં સ્ટુડન્ટ્સ સંખ્યા સૌથી વધુ જોવા મળે છે અને આટલી વિશાળ સંખ્યામાં મોરબીની સામાન્ય પરિવારની દીકરીઓએ કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસ વગર, અધ્યાપકોના ચોક્કસ માર્ગદર્શન હેઠળ અને પોતાના સ્વબળે યુનિવર્સિટી કક્ષાએ ટોપ ટેનમાં નવમો નંબર અને દશમો નંબર પ્રાપ્ત કરવો ખૂબ જ મુશ્કેલ કહી શકાય. કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, વાણિજ્ય વિદ્યાશાખાના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા સર્વે કોમર્સ અને કમ્પ્યુટર સાયન્સ સ્ટાફગણ તરફથી બન્ને વિદ્યાર્થીનિઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.