સરપંચ મહેશભાઈ લિખિયાએ નવો ચીલો ચાતર્યો, રૂ. 5 લાખના ખર્ચે પેવર બ્લોકના કામનો વડીલોના જ હાથેથી તેમના આશીર્વાદ સાથે કરાવ્યો પ્રારંભ મોરબી : સામાન્ય રીતે કોઈ પણ વિકાસ કામોનો શુભારંભ રાજકીય આગેવાનોના હસ્તે થતો હોય છે. પરંતુ વિરપર ગામના સરપંચે અલગ જ ચીલો ચાતર્યો છે. અહીં ગામના વડીલોના હસ્તે વિકાસ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વીરપર ગામમાં સહકારી મંડળી પાસે 5 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ગામના સરપંચ મહેશભાઈ લિખિયાએ આ કામનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. જો કે આ વેળાએ કોઈ રાજકીય અગ્રણીને બોલાવાના બદલે ગામના બુઝુર્ગો અને વડીલોના હસ્તે ખાતમુહૂર્ત કરાવી તેમના આશીર્વાદ લઈને વિકાસ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. હાલ અત્યારે પ્રથા બની ગઈ છે કે વિકાસ કામોનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત રાજકીય આગેવાનોના હસ્તે જ કરાવવામાં આવે છે. પણ ગામના સરપંચે વડીલોને આ કામનો શુભારંભ કરાવવાનો લાભ આપી તેઓ માટે સમગ્ર ગ્રામ પંચાયત વતી આદરભાવ પ્રગટ કર્યો હતો.