ગત રાત્રીના પરણિત મહિલાને ઘેની પીણું પીવડાવી દઇ ચાર શખ્સોએ કુકર્મ આચર્યું હતું મોરબી : મોરબીમાં બ્યુટી પાર્લર ધરાવતા પરિણીત મહિલાને ઓફિસમાં બોલાવી ઘેની પદાર્થ પીવડાવી ચાર શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યાનો બનાવ નોંધાયો હતો. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીની અટકાયત કરી છે. મોરબીમાં બ્યુટી પાર્લર ધરાવતા પરિણીત મહિલા ગઈકાલે રાત્રે લગ્નની સિઝનને કારણે મોડે સુધી પોતાના પાર્લર ઉપર હાજર હતા ત્યારે બાજુમાં ઓફિસ ધરાવતા શખ્સે પરણિત મહિલાને પોતાની ઓફિસમાં બોલાવી ઘેની પીણું પીવડાવી દેતા તેઓ બેભાન બની ગયા હતા અને સભાન અવસ્થામાં આવતા જ તેમની બાજુમાં એક શખ્સ કઢંગી હાલતમાં હોવાનું જણાતા ચોકી ઉઠી સમગ્ર બનાવ અંગે પોતાના પતિને જાણ કરતા આ ચોંકાવનારી અને મોરબી માટે ચિંતાજનક ઘટનામાં સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવને લઈને નાયબ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરીને ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક ચાર આરોપીઓ ધરમ ઉર્ફે ટીનો પ્રવિણભાઇ ચૌહાણ (ઉ.વ.25), યશ વિશ્વાસભાઈ દેસાઈ (ઉ.વ.20), અભય ઉર્ફે અભિ દિનેશભાઇ જીવાણી (ઉ.વ. 20), રવિ દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ.21)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.