મોરબી શહેરમાં બ્યુટી પાર્લરની બાજુમાં ઓફિસ ધરાવતા ચાર નરાધમોએ આચરેલું કૃત્ય મોરબી : મોરબી શહેરમાં છેડતી,સગીરાઓનું અપહરણ અને દુષ્કર્મની ઉપરાછાપરી ઘટનાઓ વચ્ચે ગઈકાલે રાત્રીના સમયે બ્યુટી પાર્લર ધરાવતા પરિણીત મહિલાને ઓફિસમાં બોલાવી ઘેની પદાર્થ પીવડાવી ચાર શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે, બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ત્રણ આરોપીઓના નામ જોગ અને ચોથા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે. મોરબીમાં મહિલા ઉત્પીડનના ગુન્હાઓ અટકવાનું નામ લેતા નથી તેવામાં પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મોરબીમાં બ્યુટી પાર્લર ધરાવતા પરિણીત મહિલા ગઈકાલે રાત્રે લગ્નની સિઝનને કારણે મોડે સુધી પોતાના પાર્લર ઉપર હાજર હતા ત્યારે બાજુમાં ઓફિસ ધરાવતા શખ્સે પરણિત મહિલાને પોતાની ઓફિસમાં બોલાવી ઘેની પીણું પીવડાવી દેતા તેઓ બેભાન બની ગયા હતા અને સભાન અવસ્થામાં આવતા જ તેમની બાજુમાં એક શખ્સ કઢંગી હાલતમાં હોવાનું જણાતા ચોકી ઉઠી સમગ્ર બનાવ અંગે પોતાના પતિને જાણ કરતા આ ચોંકાવનારી અને મોરબી માટે ચિંતાજનક ઘટનામાં સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુમાં દુષ્કર્મનો ભોગ બનેલા મહિલાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત રાત્રીના સવા દસેક વાગ્યાના અરસામાં તેમના બ્યુટી પાર્લરની બાજુમાં ઓફિસ ધરાવતા યસ વિશ્વાસભાઈ દેસાઈ નામના શખ્સે તમને પોતાની ઓફિસમાં બોલાવ્યા બાદ ઘેની પદાર્થ પીવડાવી દેતા તેઓ બેભાન બની ગયા હતા અને બાદમાં પોતે ભાનમાં આવતા તેમની બાજુમાં ધરમ ઉર્ફે ટીનો પ્રવીણભાઈ ચૌહાણ કઢંગી હાલતમાં હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું, આ સાથે જ અભય ઉર્ફે અભી દિનેશભાઇ જીવાણી તેમજ રવિ દિલીપભાઈ ચૌહાણ શખ્સોએ તેમની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આ ગંભીર બનાવ અંગે ચારેય શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ મામલે ગુન્હો નોંધ્યો છે અને નાયબ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.